- નડિયાદના વતની હરિદાસ દેસાઈ સાથે સ્વામી વિવેકાનંદનો ગાઢ સંબંધ હતો.
- નડિયાદની હવેલી આજે પણ ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી પૂરે છે.
દેશની આઝાદીની લડતથી લઈને શિક્ષણ, સાહિત્ય સહિતના અનેક ક્ષેત્રોમાં ખેડા જીલ્લાનું અનેરૂં યોગદાન રહ્યું છે. ખેડા જીલ્લાનું વડુમથક સાક્ષર નગરી નડિયાદ 250થી વધુ સાહિત્યકારોનું ઘર છે. આ ધરતીએ દેશ-દુનિયાને સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, મુકસેવક રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, ગોવર્ધનરામ ત્રિપાઠી સહિતના મહાનુભાવોની ભેટ આપી છે. નડિયાદના આવા જ એક મહાનુભાવ એટલે હરિદાસ વિહારીદાસ દેસાઈ. જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈ ખૂબ જ કુશળ વહીવટકર્તા હતા. તેમણે એક દસકા જેટલા સમયમાં જૂનાગઢ રાજ્યના તમામ વિભાગોમાં ખૂબ મહત્વના સુધારાઓ કર્યા હતા. હરિદાસ દેસાઈ સહિત નડિયાદના અનેક મહાનુભાવોને સ્વામી વિવેકાનંદ સાથે સારા સંબંધ હતા. નડિયાદ ખાતે 78મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આવો જાણીએ નડિયાદ સાથે જોડાયેલી સ્વામી વિવેકાનંદની વાત.
વર્ષ 1890 માં સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કરવા નીકળ્યા હતા. કલકત્તા, ઉત્તરાખંડ, રાજસ્થાન, માઉન્ટ આબુ સહિતના અનેક યાત્રાધામોના મંદિરોના દર્શન કરી ગુજરાત આવ્યા. સૌ પ્રથમ અમદાવાદમાં રોકાયા જ્યાં જૈન દેરાસરોની મુલાકાત લીધી, ત્યારબાદ વઢવાણ, લીંબડી, જુનાગઢ, ગીરનાર, ભાવનગર, સિહોર, કોટેશ્ર્વર, મહાદેવ, આશાપુરા માતાનું મંદિર, દ્વારકા, સોમનાથ સહિતના તમામ યાત્રાધામોના મંદિરોની મુલાકાત લઈ પાલીતાણા ગયા જ્યાં અનેક જૈન દેરાસરોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્વામી વિવેકાનંદની ગુજરાત મુલાકાત દરમિયાન જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈ સાથે તેમની મુલાકાત થઈ હતી. સ્વામીજી જુનાગઢ ગયા ત્યારે હરિદાસ દેસાઈને ઘરે થોડા દિવસ રોકાયા હતા. આ ઉપરાંત નવાબના કારભારી છગનલાલ પંડ્યા અને નવાબના સહાયક મનસુખરામ ત્રિપાઠીના ઘરે પણ ગયા હતા. તેઓ બંને પણ મૂળ નડિયાદના હતા. આ દરમિયાન સ્વામીજીને હરિદાસ દેસાઈ સાથે ગાઢ સંબંધ બન્યો હતો.
જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈને સ્વામી વિવેકાનંદે 13 પત્રો લખ્યા હતા, જે હાલ પણ હરિદાસ દેસાઈના વંશજો પાસે હયાત છે. અમેરિકામાં તેમને નામના મળી જેનાથી અમુક લોકોએ તેમના વિરૂદ્ધ અફવાઓ ફેલાવવા લાગ્યા હતા. આવા સમયે હરિદાસ દેસાઈએ તેમની મદદ કરી હતી અને અફવાઓ ફેલાવનાર લોકોને જણાવ્યું હતું કે, સ્વામીજી ખૂબ જ મહાન વિદ્વાન છે અને હું તેમને અંગત રીતે ઓળખું છું. આવી રીતે હરિદાસ દેસાઈએ ફક્ત મિત્ર નહીં પિતાની ગરજ સારી હતી. એટલા માટે જ સ્વામીજી હરિદાસના પૈતૃક મકાનની મુલાકાત લઈ તેમના ભાઈઓને મળતા હતા
આવી જ એક બીજી વાત છે હરિદાસ દેસાઈને સ્વામીજીએ કરેલી મદદની. કોઈ કારણોસર બ્રિટિશ સરકારે હરિદાસ દેસાઈની મિલકત જપ્ત કરી લીધી હતી. તેઓ જુનાગઢના નવાબના દીવાન હતા એટલે તેમણે નવાબ અને અંગ્રેજો બંનેને ખુશ રાખવા પડે. આવા સમયે અંગ્રેજોને એક પત્ર લખવાનો થયો. જેનાથી હરિદાસ મૂંઝાયા. આવા સમયે સ્વામીજીએ તેમને પત્ર લખી આપ્યો. જેનાથી અંગ્રેજો અને નવાબ બંને ખુશ થયા.
સ્વામી વિવેકાનંદ ગુજરાત પ્રવાસ બાદ રામેશ્ર્વરમના દર્શન કરવા તલપાપડ થયા જેથી તેઓ મુંબઈ જવાનું વિચારતા હતા. પરંતુ તેમને યાદ આવ્યું કે વચ્ચે નડિયાદ આવે છે જે તેમના મિત્ર હરિદાસ દેસાઈનું ઘર. આથી સ્વામીજી નડિયાદ પહોંચ્યા. જ્યાં હરિદાસના ભાઈઓએ તેમનું ખૂબ જ આદર સત્કાર કર્યું હતું.
અહીંથી સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીને મળવા ગયા હતા. તેમની સાથે વેદાંતની અનેક ચર્ચાઓ કરી હતી. જેનો ઉલ્લેખ હરિદાસભાઈને 26 એપ્રિલ 1892 ના રોજ લખેલા પત્રમાં કર્યો છે. શિકાગો ખાતે યોજાયેલ વિશ્ર્વ ધર્મ પરિષદમાં મણીલાલ દ્વિવેદી જઈ નહોતા શક્યા પરંતુ તેમનો લેખ ત્યાં વાંચવામાં આવ્યો હતો. મણિલાલભાઈ 60થી વધુ પુસ્તકો લખ્યા હતા. આ સિવાય તેમની કેટલીક હસ્તપ્રતો અપ્રકાશિત છે, જેમાં એક છે “સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતો” આ પરથી તેમનો સ્વામી વિવેકાનંદ પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય છે. મણિલાલ દ્વિવેદી વેદાંત દર્શનના ઉચ્ચ કોટીના અભ્યાસું હતા. એટલે સ્વામી વિવેકાનંદને તેમની સાથે ચર્ચા કરીને ખૂબ આનંદ થયો હોય તે સ્વાભાવિક છે.
આ ઉપરાંત મનસુખરામ ત્રિપાઠી, છગનલાલ પંડ્યા તથા ગોવર્ધનરામ ત્રિપાઠી સાથે પણ સ્વામીજીનો સંબંધ હોવાનું તથા તેમના ઘરે પણ ગયા હોવાનું માનવામાં આવે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમની ડાયરીમાં પણ લખ્યું છે કે, સ્વામીજીના પુસ્તકોથી તેઓ પ્રભાવિત થયા છે અને અદ્વૈત આશ્રમ માયાવતી જવાની ખેવના રાખે છે. સ્વામીજી મનસુખભાઈ ત્રિપાઠીને ત્યાં જુનાગઢ અને મુંબઈમાં પણ રહ્યા હતા.
નડિયાદ ખાતે હરિદાસ દેસાઈની હવેલી આજે પણ હયાત છે. સ્વામીજી હરિદાસભાઈને ખૂબ જ માન આપતા હતા. આથી, હરિદાસ દેસાઈના વંશજોએ સ્વામી વિવેકાનંદની યાદમાં નડિયાદ ખાતે સ્વામી વિવેકાનંદ શાળા શરૂ કરી છે. હરિદાસભાઈના વંશજો શાળા-હોસ્પિટલ થકી સમાજસેવાનું કામ કરે છે. ઇતિહાસના પાના નીચે દબાઇ ગયેલી આવી તો અનેક ગાથાઓ છે જેનો આપણે ગર્વ લેવા જેવો છે.