અમદાવાદ, ગુજરાતની સૌથી મોટી યાત્રા અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા યોજાશે. અંદાજે ૭૪ વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઇ શહેરમાં નીકળશે. ત્યારે ૧૫ દિવસ અગાઉ ભગવાનની જળયાત્રા કરવામાં આવે છે. ત્યારે આજે ગંગા પૂજન કરી નદીનું પાણી લાવી જગન્નાથ ભગવાન પર અભિષેક કરવામાં આવ્યું હતું.
જગન્નાથ મંદિરથી સાબરમતિ રિવરફ્રન્ટ સુધી ભગવાનની જળયાત્રા યોજાઇ હતી. જેમાં ૧૦૮ કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરી હતી. ત્યારબાદ ભગવાન ગજવેશમાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન ગજવેજના દર્શન આપી ૧૫ દિવસ મોસાળમાં વિતાવશે. પ્રભુ જગન્નાથજી હવેથી ૧૫ દિવસ સરસપુર મોસાળમાં મહેમાનગતિ માણશે.
ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદર પાસે પૂજા વિધિ કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર સહિત સંતોના હસ્તે પૂજાવિધિ કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જગ્યાએ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જળયાત્રાની પૂજાવિધિમાં જોડાયા હતા. સાબરમતી નદીમાંથી કળશમાં જળ ભરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાંથી જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જે બાદ જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા પૂજા કરવામાં આવી હતી.