કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા મહિનાઓથી સગીરાને ભગાડી જવાના અનેક બનાવો બન્યા છે તેમજ નાની સગીરાઓને લગ્નની લોભામણી લાલચ આપી અપહરણ કરી ભગાડી જવાની ફરિયાદો કડી અને કડી તાલુકાના અન્ય પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી છે. સાથે સાથે સગીરાઓને અલગ અલગ જગ્યા ઉપર તેમજ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ દુષ્ક્રમ આચર્યાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે, તેઓ જ એક કિસ્સો કડીમાંથી સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
કડીમાં 20 વર્ષીય યુવકે 14 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી વિશ્વાસમાં લીધી, જે બાદ મિત્રતાની આડમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. શુક્રવારે અચાનક સગીરા મામાના ઘરે એકલી હતી ત્યારે, રાત્રે ઘરમાં ઘુસી છેડછાડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં હવસખોર નૌશાદ પઠાણનો ભાંડો ફૂટ્યો હતો.
સગીરા છેલ્લા દસ દિવસથી કડી તાલુકાના એક ગામમાં મામાના ઘરે રહેતી હતી. જે દરમિયાન શુક્રવારે રાતે નવમાં ધોરણમાં ભણતી સગીરા મામાના ઘરે હાજર હતી તેમજ મામાના પરિવારજનો પણ ઘરમાં હાજર હતા. તે દરમિયાન રાત્રીના જમી સૂઈ ગયા અને સગીરા ઘરના અન્ય રૂમમાં એકલી સુતી હતી. ભાણી મામાના ઘરે સુઈ રહી હતી ત્યારે અચાનક જ મોડી રાત્રે સગીરાએ બુમાબૂમ કરતા ઘરના સભ્યો તેના રૂમમાં પહોંચ્યા હતા. જ્યાં એક યુવાન સગીરાના રૂમમાં ઘુસી આવ્યો હતો. ઘરના સભ્યોએ આ યુવાનને પકડી પાડ્યો હતો અને તેનું નામ પૂછતા યુવાને તેનું નામ નૌશાદ નસીબ ખાન પઠાણ જણાવ્યું હતું.
મામાએ સમગ્ર હકીકત પૂછતાં સગીરાએ જણાવ્યું કે, હું આ યુવકને છેલ્લા ચાર મહિનાથી ઓળખું છું અને તે અમારા ઘરની પાછળ રહે છે અને અમારા બંને વચ્ચે મિત્રતા છે, અમે બંને ઘણી વખત વાતચીત કરીએ છીએ. નૌશાદ પઠાણ અનેકવાર મને મળે છે અને મને લગ્ન કરવાનું કહે છે. હું લગ્ન કરવાની ના પાડતી હતી. જો કે તે મને ખોટી ખોટી લાલચો આપી અનેક વખત ફરવા પણ લઈ ગયો છે.
નૌશાદ પઠાણ કડી પાસે આવેલી હવેલીમાં મને અવારનવાર લઈ જઈ મારી સાથે દુષ્કર્મ કરતો હતો. આજથી પંદર દિવસ પહેલાં તેના બાઈક ઉપર બેસાડી મને કડી મુકામે લઈ ગયો હતો અને મને કહ્યું હતું કે, આપણે લગ્ન કરી લઈએ અને ભાગી જઈએ. મેં લગ્ન કરવાની ના પાડતાં તે મને ઘરની આગળ મૂકી ગયો હતો.
દસ દિવસ અગાઉ પણ તે આવ્યો હતો અને મને ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં લઈ ગયો હતો. ત્યાં પણ મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આજે પણ હું ઘરની અંદર સૂતી હતી ત્યારે, બારીમાંથી બ્રશ નાખી મને જગાડી હતી અને બારણું ખોલવાનું કહ્યું હતું. જેથી મેં બારણું ખોલતાં તે ઘરમાં ઘૂસી આવ્યો હતો. મેં તેને ઘરમાંથી જતું રહેવાનું કહેતાં તેણે મને મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ મારી સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા. હું ના પાડતી હતી છતાં તે ઘરમાંથી જતો ન હતો અને ધમકીઓ આપતો હતો. જેથી મેં બૂમાબૂમ કરી હતી.
આ સમગ્ર હકીકત સગીરાએ મામાને જણાવતાં મામાએ સગીરાની માતાને બોલાવી સમગ્ર હકીકત જણાવી હતી.
કડી તાલુકાના એક ગામની અંદર અચાનક જ યુવક ઘરની અંદર ઘૂસી આવી નવમાં ધોરણમાં ભણતી સગીરા સાથે અડપલાં કરતાં સગીરાના મામા સહિતના પરિવારજનોએ કડી પોલીસને જાણ કરી હતી. જેથી કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને ઝડપી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
10 દિવસ પહેલાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં કડી શહેરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી કલોલ ખાતે બોલાવી હતી. જ્યાં યુવકે કલોલ બોલાવી એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં તેને સમજાવી દુષ્કર્મ આચાર્યું હતું. દસ દિવસથી સગીરા ગુમસુમ અને કોઈના સાથે બોલતી ન હતી. જે બાદ પરિવારજનો દ્વારા તેને સમજાવતા સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો. જે બાદ પરિવારજનોએ અમદાવાદના યુવક સામે ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.