જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષોએ ઝડપથી તેમની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. આ ચૂંટણી સિઝનમાં સ્ટાર પ્રચારકોની સક્રિયતા વધી રહી છે અને ડોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી રેલી આ સક્રિયતાનું મુખ્ય ઉદાહરણ છે.
વડાપ્રધાન મોદી ૧૪ સપ્ટેમ્બરે ડોડા સ્ટેડિયમમાં એક ભવ્ય જનસભાને સંબોધિત કરશે. આ રેલીની તૈયારીઓને પાર્ટી કક્ષાએ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. રેલીની સફળતા સુનિશ્ર્ચિત કરવા માટે ભાજપના જિલ્લા અધિકારીઓ, મંડલ પ્રધાનો, બૂથ પ્રધાનો અને અન્ય પક્ષના કાર્યકરો એક થઈ રહ્યા છે.
આ સિવાય કોંગ્રેસના રાષ્ટ્રીય અયક્ષ મલ્લિકાર્જુન ખડગે ૧૧ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યે અનંતનાગમાં જનસભાને સંબોધિત કરશે. આ પછી તે જ દિવસે બપોરે ૩.૩૦ કલાકે શ્રીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ કાર્યક્રમો દ્વારા પાર્ટીના વડા ચૂંટણી મુદ્દાઓ અને વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. સ્થાનિક ભાજપ નેતૃત્વએ ડોડામાં વડાપ્રધાનની રેલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી, જેમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોએ હાજરી આપી હતી. રેલીને સફળ બનાવવા કાર્યકરોને એકજુટ થઈને કામ કરવા અપીલ કરવામાં આવી છે.