14મી જુન એટલે વિશ્વ રકતદાતા દિવસ: ઓસ્ટ્રિયાના જીવ વિજ્ઞાની અને ભૌતિક શાસ્ત્રી કાર્લ લેન્ડસ્ટાઇનરની યાદમાં આ દિવસને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવાય છે

  • લોહીસમૂહના સંશોધક લેંડસ્ટીનરને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાય છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા તા.14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સંગઠને વર્ષ 1997 માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આ વિચારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

રક્તનું ગ્રુપ નક્કી કરતી શોધના પ્રણેતા અને નોબલ પારિતોષિક વિજેતા કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

ચાલો મિત્રો, આપણે જાણીએ કાર્લ લેન્ડસ્ટાઇનર વિશે. કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner) વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન 14, 1868ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો.તેઓ એ.બી.ઓ. રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. 1930ના વર્ષમાં નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું અને એમનો જન્મ દિવસ (14મી જૂન, 1868) હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિન મનાવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ કર્યો છે.

તેમણે આપણા શરીરમાં અત્યંત મહત્વ ધરાવતા લોહીમાં અગત્યનાં સંશોધનો કર્યાં હતાં. આ પૈકી એક શોધ આર. એચ. ફેક્ટરની કરી હતી. એમણે એ, બી અને ઓ, એમ ત્રણ જુથમાં માનવરક્તને વહેંચ્યું હતું. આ સાથે એમણે વધુ સંશોધન કરી સમાન રક્ત જૂથ ધરાવતા વ્યક્તિને એકબીજાનું લોહી ચડાવવાથી નુકશાન નથી થતુ, પણ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે એ પણ શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત પોપર નામના વૈજ્ઞાનિક સાથે મળી (ઈ. સ. 1909) પોલિયો વાયરસની શોધ કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના ઔષધીય સંશોધનો બદલ તેઓને ઈ. સ. 1946 માં લાસ્કર પારિતોષિક (Lasker award) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

જેથી કરીને દર વર્ષે 14 મી જુનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ ( વિશ્વ રક્તદાન દિવસ ) ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દુનિયાના લોકો ABO (એબીઓ) લોહીસમૂહના સંશોધક નોબેલ પારિતોષિક વિજેતા લેંડસ્ટીનરને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરે છે.આ દિવસે રક્તદાનની જરૂરિયાત બાબતે જાગૃતતા લાવવા માટે મનાવવામાં આવે છે.બ્લડ બેંકોમાં જરૂરિયાતના સમયે પુરતું લોહી મેળવવા માટે એક પડકાર ઉભો થાય છે.ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર રાષ્ટ્રની 1 % ટકા વસ્તી મળીને રક્તદાન કરે તો પણ આ જરૂરિયાતને પૂરી શકાય છે. સુરક્ષિત લોહી કોઈ એક વ્યક્તિને સારી રીતે જીવન જીવવા માટે તેના સ્વાસ્થ્યને સુધારી શકે છે. જેઓની ઉંમર 18 થી 65 વર્ષ વચ્ચે છે તેઓ અમુક આરોગ્ય સ્થિતિઓને બાદ કરતાં બધા લોકો રક્તદાન કરી શકે છે.