12 શિક્ષકોની નિમણૂંક માટે 18.56 લાખ ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો

દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી અને ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત વિવેકાનંદ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની નિમણૂંક માટે 18.56 લાખ ગેરકાયદે ઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સી.આઈ.ડી. ક્રાઈમમાં નોંધાઇ છે.

ગુજરાત ખેત વિકાસ પરિષદ દ્વારા સંચાલિત દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી શાળાના કિસ્સો અમદાવાદ સેટેલાઈટ વિસ્તારમાં માધવદીપ એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિલાલ ભીખાભાઈ ચાવડા ગુજરાત ખેત વિકાસ પરિષદ, અમદાવાદમાં પ્રબંધ સમિતિના સભ્ય અને મંત્રી છે. આ સંસ્થા શૈક્ષણિક સંસ્થાનું સંચાલન કરે છે. વડોદરા સી.આઈ.ડી.ક્રાઈમ ઝોનમાં તેમણે ગત 11 મી તારીખે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાત ખેત વિકાસ પરિષદમાં 18 આશ્રમ શાળાઓ આવેલી છે.

આ શાળામાં શિક્ષકોની નિમણૂંક જીલ્લા શિક્ષણ અધિકારીના ભલામણ પત્ર આધારે સત્વરે નિમણૂંક આપવામાં આવે છે. પરિષદ દ્વારા સંચાલિત વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી છે. તેમાં વર્ષ 2016 થી 2017 દરમિયાન ભરતી કરાયેલા શિક્ષકો પાસેથી ગેરકાયદે નાણાંઉઘરાવી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. શાળાના શિક્ષકો કે કર્મચારી વાંધો ઉઠાવે, તો તેઓને નોટિસો આપી ભયનું વાતાવરણ ઉભું કરાય છે. તેની તપાસ કરવા માટે જુલાઇ-2020માં એક સમિતિની રચના કરવામાં આવી હતી.

અગાઉ આ બાબતે હાઈકોર્ટમાં ફાઈલ થયેલી પિટિશન વિડ્રો કરી હતી. આ ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે હરજીભાઈ નગોતાએ ગત 20 મી તારીખે કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ગુજરાત ખેત વિકાસ પરિષદના પૂર્વ મંત્રી દિનેશભાઈ બટુઆને મંત્રી પદેથી હટાવી દેતા તેમણે ચેરિટી કમિશનરની કચેરીમાં અરજી કરી હતી.

અગાઉ આ બાબતે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ થઈ હતી. જે વિડ્રો કરી હતી. તેમાં તત્કાલિન પ્રમુખ દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યું હતું કે, આવો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી અને શાળાના વિકાસના કામો થયા છે. તપાસ દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે, શાળાના હેડ ક્લાર્ક હરજીભાઈ નાગોત તથા સંસ્થાના નિયામક પરથીભાઈ આર પસાયા દ્વારા અમને હાજર કરતા પહેલા આર્થિક સહાયની માંગણી કરવામાં આવી હતી.

તેઓએ હાજર થવા આવેલા શિક્ષકો પાસેથી બે થી પાંચ લાખની માંગણી કરી હતી. શાળાની જરૂરિયાત માટે ડોનેશનના ઓથા હેઠળ 18.56 લાખ 12 શિક્ષકો પાસેથી ઉઘરાવી લઈ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને નાણાં જમા કરાવ્યા અંગેની કોઈ પાવતી આપવામાં આવી નહતી તેમજ રૂપિયા સ્કૂલના વિકાસમાં આપ્યા નહતા અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા. જે અંગે સી.આઈ.ડી.ક્રાઈમમાં ફરિયાદ નોંધતા પોલીસે પરિષદના તત્કાલિન મંત્રી બાબુભાઈ વિરચંદભાઈ વાઘેલા, સ્થાનિક સંચાલક મંડળના નિયામક પરથીભાઈ પસાયા, શાળાના હેડ ક્લાર્ક હરજીભાઈ નગોતા તથા શિક્ષક નિલકંઠ ઠક્કર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.