12 સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી ગોધરા શહેર ખાતે વાહનોની આવ-જા માટે ડાયવર્ઝન અપાયું

  • ગણપતિ વિસર્જનના દિવસે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને પંચમહાલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ગોધરા શહેરમાં ગણપતિ વિસર્જનના દિવસે વિશ્વકર્મા ચોક ખાતે વિસર્જનમાં ભાગ લેવા સવારથી તમામ વિસ્તારોમાંથી ગણેશ મંડળો ગણેશજીની પ્રતિમા તથા ડી.જે. સાથે વહેલી સવારથી સ્થાપના સ્થળેથી વિસર્જનના સ્થળે જનાર છે. જેને જોવા વિશાળ જનસમુદાય પગપાળા અને વાહનોમાં અવર-જવર કરતા હોઈ તે કારણસર ગોધરા શહેરના તમામ રોડ ઉપર ટ્રાફીક જામની પરિસ્થિતિ સર્જાય છે. આ દરમ્યાન ગોધરા શહેરના તમામ વાહનો અને શહેરમાં પ્રવેશતા વડોદરા, દાહોદ અને અમદાવાદ જીલ્લા તરફથી આવતા વાહનોથી ટ્રાફીકની સમસ્યા વિકટ બનતી હોઈ ગોધરા શહેરમાં ગણેશ વિસર્જનના દિવસે ગોધરા શહેરમાં આવતા વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવો અને વાહનોની આવ-જા માટે ડાયવર્ઝન આપવું જરૂરી જણાતા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-163 અન્વયે મળેલ અધિકારના રૂએ, ગણેશ વિસર્જનના દિવસે એટલે કે તા.12/09/2024ના રોજ સવારના 08:00 કલાકથી રાત્રીના 23:00 કલાક સુધી ગોધરા શહેર હદ વિસ્તારમાં નીચે મુજબની અમલવારીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

(1) વડોદરા, દાહોદ, અમદાવાદ, મહિસાગર જીલ્લા તરફથી આવતા તમામ પ્રકારના વાહનોનો ગોધરા શહેરમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.

(2) (1)વડોદરા જીલ્લા તરફથી આવતાં વાહનો તૃપ્તિ હોટલથી હાલોલ-શામળાજી બાયપાસ, પરવડી ચોકડી થઈ પોપટપુરા ઓવરબ્રીજ તરફ

(2) દાહોદ જીલ્લા તરફથી આવતાં વાહનો પરવડી ચોકડીથી બાયપારા તૃપ્તિ હોટલથી વડોદરા રોડ

(3) લુણાવાડા તરફથી આવતાં વાહનો છબનપુર ચોકડીથી પરવડી ચોકડીથી બાયપાસ તૃપ્તિ હોટલથી વડોદરા રોડ તથા

(4) અમદાવાદ તરફથી આવતાં વાહનો ડોકટરના મુવાડાથી છબનપુર થઈ પરવડી ચોકડી બાયપાસ રોડ ઉપર અવર જવર કરી શકશે.

(3) એસ.ટી. બસો તથા ગોધરા શહેરના વ્યકિતઓ તથા અન્ય બહાર ગામથી ગોધરા શહેરમાં આવતા-જતાં વ્યક્તિઓના વાહનો કંકુ થાંભલા બાયપાસ ચોકડીથી ગોવિંદી ગામ થઈ એફ.સી.આઈ. ગોડાઉન થઈ ભુરાવાવ આવ-જા કરી શકશે. ગોધરા ભુરાવાવથી પોપટપુરા ઓવરબ્રીજ સુધી એસ.ટી.બસો અને ખાનગી વાહનો જઈ શકશે. પોપટપુરા ઓવરબ્રીજથી ભુરાવાવ ગોધરા તરફના રોડ ઉપર કોઈ પણ વાહન કે એસ.ટી.બસ આવી શકશે નહી.

(4) લાલબાગ બસ સ્ટેન્ડથી રવિ કોર્પોરેશન તરફ જતાં નગરપાલિકાના રોડ પર તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહેશે. આ રોડ ઉપર ફક્ત લાલબાગ પાસે તળાવમાં ગણપતિ વિસર્જન કરવા આવતાં વ્યકિતઓ /વાહનોની અવર-જવર ચાલુ રહેશે.

આ જાહેરનામાનો અમલ ગોધરા શહેરમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ, પુરવઠો લઈને આવતા ભારે વાહનો તથા સરકારી ફરજોના કામકાજમાં રોકાયેલ વાહનોને લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.