સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,89,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા હતા. આમ કુલ 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પરિણામ વહેલું જાહેર થાય એવી અટકળ હતી. ત્યારે બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબર નાખી પરિણામ જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: 09/05/2024ના રોજ સવારના 9 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.