૧૨ દેશોએ એશિયન મ્યુઝિક કોન્ફરન્સ કોહિમા ઘોષણા પર હસ્તાક્ષર કર્યા, ભારતે પ્રથમ વખત આયોજિત કર્યો

મુંબઇ,એશિયા મ્યુઝિક સમિટ કોહિમા ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એક નહીં, બે નહીં પરંતુ ૧૨ દેશોએ એશિયા અને તેનાથી આગળ સંગીતના બંધુત્વને પ્રોત્સાહન આપવા માટે ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ત્રણ દિવસીય ચોથી એશિયા મ્યુઝિક સમિટના સમાપન દિવસે શનિવારે આ ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે મ્યુઝિકકનેક્ટ એશિયાની પહેલ છે, જે નાગાલેન્ડ સરકારની ટાસ્ક ફોર્સ ફોર મ્યુઝિક એન્ડ આર્ટસ દ્વારા હોસ્ટ અને સહ-આયોજિત છે.

આ પહેલીવાર છે જ્યારે ભારતે એશિયા મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. તમામ સહભાગી દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરાયેલા દસ્તાવેજમાં જણાવાયું છે કે, ’એશિયા અને તેનાથી આગળ સંગીત અને સંગીતના બંધુત્વને પ્રોત્સાહન આપવા માટે ઘોષણા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઘોષણા પર હસ્તાક્ષર કરનારાઓ સ્થાયી શાંતિ, સ્થાયી મિત્રતા અને સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે જે પરસ્પર શક્તિ, એક્તા અને ગાઢ સંબંધોમાં ફાળો આપશે, તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેમણે સમિટમાં આ જાહેરાત શક્ય બનાવવા માટે નાગાલેન્ડ સરકાર,ટાફમા અને મ્યુઝિક કનેકટ એશિયાની પણ પ્રશંસા કરી હતી. મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ ઐતિહાસિક કોહિમા ઘોષણાનું સ્વાગત કરતાં કહ્યું કે તે શાંતિ, સંવાદિતા અને સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. સમિટ કોર કમિટીના સલાહકાર અબુ મેથાએ જણાવ્યું હતું કે આ માત્ર સરકારની નીતિની સાતત્ય, સંગીત ઉદ્યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા, સંગીત સમુદાયના પાયાના નિર્માણના વર્ષો અને વાસ્તવિક હિતધારકોમાં રોકાણને કારણે શક્ય બન્યું છે.

આ ખરેખર ઐતિહાસિક છે, અને પેઢીઓ આ વારસાને આગળ વધારશે, મેથાએ એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. આપણા યુવાનો સાર્વત્રિક એક્તાને પ્રોત્સાહન આપશે અને માનવતાના રાજદૂત બનશે. નાગાલેન્ડે ભારતને ગૌરવ અપાવ્યું છે. સમિટનું ઉદ્ઘાટન ૧ ફેબ્રુઆરીના રોજ રિયો દ્વારા કરવામાં આવ્યું હતું.