અમદાવાદ,ગુજરાતીમાં એક કહેવત છે કે, ’જળ, જમીન અને જોરૂ, આ ત્રણેય કજીયાના છોરુ…’ આ કહેવતને સાર્થક સાબિત કરતા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના શાહીબાગ વિસ્તારમાં જોવા મળ્યો છે. મિત્ર પાસે ઉછીના ૧૦૦ રૂપિયાની માંગણી કરતા તેણે રૂપિયા આપવાની ના પાડી. જેથી આરોપીએ ઉશ્કેરાઇ તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને છરીનો ધા મારી દીધો. જો કે, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અનિલ મહેરીયાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે કે, આજે સવારે તેઓ રીક્ષામાં પેસેન્જર બેસાડીને વિઠ્ઠલનગર ચાર રસ્તાથી એફએસએલ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. ત્યારે પરમેશ્વર પાર્કના છાપરા પાસે રોડ પર ખુલ્લી જગ્યામાં લોકોનું ટોળું ભેગુ થયેલું હતું. જેથી તેમણે ત્યાં જઇને જોતા તેમના ભત્રીજા યોગેશના મિત્ર મનોજ દંતાણી, ધવલ વાઘેલા, યોગેશ સોલંકી હાજર હતા. જ્યાં યોગેશ સાથે જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી બોલાચાલી ઝઘડો કરતો હતો.
ફરીયાદી તેમના ભત્રીજાને છોડાવવા જતા પહેલાં જીગ્નેશે તેની પાસે રહેલી છરીનો ઘા યોગેશને છાતીના ભાગે મારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઝઘડા બાબતે યોગેશને પૂછતા તેણે કહ્યું હતું કે, જીગ્નેશે તેની પાસે ઉછીના ૧૦૦ રૂપિયા માંગ્યા હતા. જે આપવાની ના પાડતા તેણે ઝઘડો કરીને છરી મારી દીધી છે. જો કે યોગેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.