- અંબાલાલની વધુ એક આગાહી
- ઓગસ્ટમાં રહેશે વરસાદી માહોલ
- મુંબઈમાં ભારે વરસાદની આગાહી
- નદીઓમાં ઘોડાપૂરની શક્યતા
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જીને લોકોને રીતસર ત્રાહિમામ પોકારાવી દીધો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરામતાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી. સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી પાટા પર ચઢી નથી. ત્યાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ પડશે.
વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 26 જુલાઈએ એટલે કે આજે ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ આવશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવવલીમાં વરસાદ થશે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા અને તાપીના જળસ્તરમાં પણ વધારો થશે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં 100કિમી/ કલાકની ઝડપે પવન ફૂકાશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સ્થાનિક હવામાન વિબાગે કરેલી આગાહી મુજબ ગુજરાત પર હવે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે, જોકે વરસાદે પૂરેપૂરી વિદાય લીધી નથી. ત્રીજા રાઉન્ડના વરસાદમાં હજુ પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે, બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.