પટણા,
હિન્દુસ્તાની આવામ મોર્ચાના સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ દારુબંધીને લઈને મોટી વાત કહી દીધી હતી. તેમણે કહ્યું કે, દારુબંધી ખરાબ નથી, પણ તેને લાગૂ કરવાની પ્રક્રિયા ખોટી છે. પછી તે બિહાર હોય કે ગુજરાત. મોટા તસ્કરો બચી જાય છે અને જે પકડાય છે તે ગરીબ લોકો છે. જેલોમાં ૭૦ ટકા એવા લોકો બંધ છે, જે કાં તો અડધો લીટર અથવા તો અઢીસો ગ્રામ દારુ પીતા પકડાયા હોય. તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. આવું બિલકુલ ન થવું જોઈએ. જે સવાસો અથવા અઢીસો ગ્રામ દારુ પીવે છે, તેને પકડવા ન જોઈએ.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ આગળ કહ્યુ કે, દારુબંધીની સમીક્ષા થવી જોઈએ. તેના ટેસ્ટમાં ઉપયોગમાં લેવાતા બ્રેથ એનલાઈઝ પણ ક્યારેક ક્યારેક ખોટી જાણકારી આપે છે, જેનાથી પકનારા દબંગાઈ કરતા હોય છે. માંઝીએ આ વાત દિલ્હીના કોન્સ્ટીટ્યૂશન ક્લબમાં આયોજીત પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ કરી હતી. આ ઉપરાંત માંઝીએ ગરીબ સવર્ણોને અનામત આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. માંઝીએ જાતિ ગણતરીની જરુરી ગણાવતા કહ્યું કે, હવે અનામત જનસંખ્યાના આધારે મળવું જોઈએ. આ અગાઉ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પ્રસ્તાવના આપવામાં આવી હતી કે, બિહારની બહાર અન્ય રાજ્યોમાં ફટાફટ સંગઠનની પ્રદેશ કમિટી બનાવતા ૨૦ લાખ સભ્યો બનાવામાં આવશે.
આપને જણાવી દઈએ કે, શુક્રવારે જીતનરામ માંઝીએ બોધગયાના પોતાના નિવાસ સ્થાને કહ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ બિહારમાં મનુવાદી વિચારધારાની પાર્ટીનું કાર્ડ હવે નહીં ચાલે. આમ જોવા જઈએ તો, મનુવાદી વિચારધારાની પાર્ટીની પેટાચૂંટણીમાં ભૂંડી હાર થઈ છે. પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના જૂના નિવેદનો વાગોળતા કહ્યું કે, જે બ્રાહ્મણ પૂજા પાઠ કરાવે છે, તેઓે માંસ મદીરાનું સેવન પણ કરે છે. અમે આંબેડકરવાદી વિચારધારાવાળા લોકો છીએ. તેમના વિચારોને અપનાવીને જ સમાજનું કલ્યાણ થશે. એટલા માટે ડો. આંબેડકરના વિચારોને સૌ કોઈએ અપનાવવા જોઈએ.