વોશિગ્ટન : અમેરિકાની વૈશ્ર્વિક ઇનવેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલીએ તેની એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત બદલાયું છે. આજે ભારત એશિયા અને વૈશ્ર્વિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ભારત એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં બદલાઈ ગયું છે. આ ૨૦૧૩થી અલગ ભારત છે. ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં ભારતે વિશ્ર્વ વ્યવસ્થામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ રિપોર્ટમાં વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ ૨૦૧૪થી અત્યાર સુધીમાં થયેલા ૧૦ મોટા ફેરફારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોર્પોરેટ ટેક્સનો દર અન્ય દેશોની સમકક્ષ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધી રહ્યું છે. આ સૌથી મોટો પોલિસી રિફોર્મ હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ એક ડઝન અલગ અલગ કેન્દ્રીય અને રાજ્ય કરને કાઢીને લાવવામાં આવેલા જીએસટીનું કલેક્શન સતત વધી રહ્યું છે. ઉપરાંત, જીડીપીની ટકાવારી તરીકે ડિજિટલ વ્યવહારો વધી રહ્યા છે, જે સંગઠિત અર્થતંત્રની નિશાની છે.
મોર્ગન સ્ટેનલીએ પોતાના રિપોર્ટમાં ૧૦ મોટા ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં સપ્લાય-સાઇડ પોલિસી રિફોર્મ્સ, અર્થતંત્રનું ફોર્મલાઇઝેશન, રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, બેક્ધોમાં ડાયરેક્ટ ટ્રાન્સફર અને ઇન્સોલ્વન્સી એન્ડ બેક્ધરપ્સી કોડ, એફડીઆઈ પર ફોક્સ અને બહુરાષ્ટ્રીય કંપનીઓની સેન્ટિમેન્ટનો સમાવેશ થાય છે.
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારતમાં બનેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, બ્રોડબેન્ડના ગ્રાહકોમાં વધારો, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ અને રેલ્વેનું વધતું વિદ્યુતીકરણ આમાં સામેલ છે. આર્થિક મોરચે, ભારતમાં સતત વધી રહેલા જીએસટી કલેક્શનનો ટ્રેન્ડ, ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું છે કે આ બધા રિફોર્મ્સને કારણે ભારતનો નિકાસ બજારમાં હિસ્સો બમણો થશે. જીડીપીમાં વધારો થવાને કારણે નફામાં ઉછાળો આવશે. યુએસમાં મંદીની અસર ઓછી પડશે. દેશના વેલ્યુએશનમાં રી-રેટિંગ થશે.