ભારતીય ક્રિકેટ ટીમ તાજેતરમાં શ્રીલંકા ટુર પર ગઈ હતી ટીમ ઈન્ડિયાએ ૩ મેચની ટી ૨૦ અને ૩ મેચની વનડે સિરીઝ રમી હતી. ટી૨૦માં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને સીરિઝ જીતી હતી પરંતુ જ્યારે વનડે સિરીઝમાં શ્રીલંકાએ ભારતને ૨-૦થી હરાવ્યું હતું, જે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત માટે ચિંતાનો વિષય છે.
હવે ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ર્ન એ છે કે ટીમ ઈન્ડિયા હવે આગમી સીરિઝ કોની સાથે અને ક્યારે રમશે. તો જણાવી દઈએ કે ટીમ અત્યારે બ્રેક પર છે પણ આ પછીનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. શ્રીલંકા પ્રવાસ ખતમ થયા બાદ ભારતીય ખેલાડીઓને ૪૩ દિવસનો લાંબો બ્રેક મળ્યો છે અને ભારતીય ખેલાડીઓ ૧૯ સપ્ટેમ્બરથી એક્શનમાં જોવા મળશે.
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝ બાંગ્લાદેશ સામે હશે, જે ટેસ્ટ સિરીઝ હશે અને તે ભારતમાં જ રમવાની છે. બંને ટીમો વચ્ચે ૨ ટેસ્ટ મેચ રમાશે. આ પછી ૬ ઓક્ટોબરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૩ T20 મેચ પણ રમાશે. બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે મેચ રમશે. ૧૬ ઓક્ટોબરથી બંને ટીમો વચ્ચે ૩ મેચની ટેસ્ટ સીરિઝ રમાશે.
આ બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જશે જ્યાં ટીમ ઈન્ડિયા ૪ ટી ૨૦ મેચ રમવાની છે અને ટીમ ઈન્ડિયા વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. બંને ટીમો વચ્ચે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ રમાશે, જેમાં ડે નાઈટ ટેસ્ટની સાથે કુલ ૫ ટેસ્ટ મેચ રમાશે.
ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડ ૫ ટી-૨૦ અને ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. ઈંગ્લેન્ડ ૬ ફેબ્રુઆરીથી શરૂ થનારી ૩ મેચની વનડે સીરિઝ માટે ભારતનો પ્રવાસ કરશે. જો કે આ પછી તરત જ પાકિસ્તાનમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ૧૯મી ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાની સંભાવના છે. જો કે, ભારત પાકિસ્તાન જશે કે નહીં તેની હજુ પુષ્ટિ થઈ નથી. સંભવ છે કે ટુર્નામેન્ટ હાઇબ્રિડ રીતે યોજાય, જ્યાં ભારત તેની મેચ પાકિસ્તાનની બહાર રમશે.