૧૦ મહિના બાદ વડોદરા-ગોધરા-દાહોદ મેમુ ટ્રેન શરૂ

વડોદરા-ગોધરા-દાહોદ મેમુ ટ્રેન શરૂ

ગોધરા,
પંચમહાલ અને દાહોદ જીલ્લાના રેલ્વે મુસાફરો માટે આર્શીવાદરૂપ ગણાતી બે મેમુ ટ્રેન કોરોનાના કારણે ૧૦ મહિના બંધ રહ્યા બાદ આજથી વડોદરા-દાહોદ વાયા ગોધરા મેમુ ટ્રેનનો પ્રારંભ થતાં મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જોકે, હજુ દાહોદ- આણંદ મેમુ ટ્રેન કાર્યરત નહીં કરવામાં આવતાં મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.

બસની સરખામણીમાં રેલ સુવિધા સસ્તી અને ઝડપી હોવાના કારણે આજેપણ અસંખ્ય મુસાફરો ટ્રેનને પ્રથમ પસંદગી કરે છે. તેમાંય દાહોદ-પંંચમહાલ જીલ્લાના રોજીંદા અપડાઉન કરતાં નોકરીયાત, વિદ્યાર્થી તથા વહેપારી વર્ગ હંમેશા ટ્રેન મારફતે પોતાના નિયત સ્થળે જવા માટે મેમુ ટ્રેનનો ઉપયોગ કરે છે. વર્ષોથી ૩ જીલ્લાને સાંકડી લેતી વડોદરા-દાહોદ વાયા ગોધરા મેમુ ટ્રેન તથા આણંદ વાયા ગોધરા થઈ દાહોદ પહોંચતી મેમુ ટ્રેન અસંખ્ય મુસાફરો માટે આર્શીવાદરૂપ બનતા મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરતા હતા. પરંતુ ગત વર્ષે કોરોનાના સંક્રમણ વચ્ચે રેલ તંત્રએ આ બે મેમુ ટ્રેન બંધ કરવામાં બંધ કરવામાંં આવી હતી. લોકડાઉન ખુલવા છતાં છેલ્લા છ માસ મળીને ૧૦ માસ ઉપરાંતથી બંધ રહેલી આ બે મેમુ ટ્રેનને શરૂ કરવા માટે વાંરવાર ઉચ્ચસ્તરે રજુઆત કરવામાં આવી હતી. કોરોનાના કારણે રેલ વિભાગ દ્વારા મેમુ ટે્રન બંધ કરતાં રોજીંદા અપડાઉન કરતાં કે મધ્યમવર્ગી મુસાફરો એસ.ટી.બસમાં નાછુટકે નાણાંને સમય વેડફીને મુસાફરી કરવાનો વારો આવ્યો હતો. તેમાંય ગોધરા થી વડોદરા જવા માટે ૧૦૦ રૂપીયા ચુકવવા પડતા હોવાથી વહેલીતકે ટ્રેન શરૂ કરવાની માંગ કરવા છતાં કોઈ નિર્ણય નહીં લેવાતા હાલાકી વેઠી રહ્યા હતા. છેવટે ગુરૂવાર થી દાહોદ-વડોદરા વાયા ગોધરા મેમુ ટ્રેન શરૂ કરવા સાથે રાબેતા મુજબ ગોધરા થી વડોદરાના રૂ.૨૦ ટીકિટ રાખવામાં આવતાં લોકોએ મુસાફરી કર્યાનો આનંદ અનુભવ્યો હતો. પરંતુ બીજી અગત્યની દાહોદ-આણંદ મેમુ ટ્રેન હજુ પણ કાર્યરત કરવામાં નહીં આવતાં આણંદ-વિદ્યાનગર અપડાઉન કરનાર મુસાફરોમાં કચવાટની લાગણી વ્યાપતા વહેલીતકે આ ઉપયોગી મેમુ ટ્રેન શરૂ કરવાની માંગ કરી હતી. કારણ કે, ડાકોર જતાં દર્શનાર્થીઓ, પાસ હોલ્ડર્સ, શ્રમિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.