અત્યારસુધીમાં અજબ ગજબ ચોરી અને ચોરના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. કોઇ ચોર ફ્લાઇટમાં આવતો અને ચોરી કરતો, કોઇ ચોર ફક્ત વાહનની ચોરી જ કરતા તો વળી કોઇ ચોર મોંઘીદાટ કારની નંબર પ્લેટની ચોરી કરતા. અમદાવાદની આનંદનગર પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો.આ ચોર એવો હતો જે ચોરી કરીને કંઇક એવું કરતો કે જેનાથી તેની એક અલગ જ છાપ ઊભી થઇ હતી.
આખો દિવસ ગાર્ડનમાં રહે અને રાત્રે બહાર નીકળે નામ તેનું મહેન્દ્રસિંહ રાઠોડ અને ઉંમર ફક્ત 22 વર્ષની. અમદાવાદના પાલડી વિસ્તારમાં કર્ણાવતી પગરખાં બજાર પાસે આવેલો મ્યુનિસિપલ બગીચો તેનું રહેઠાણ. આખો દિવસ તે આ ગાર્ડનમાં રહે અને રાત પડે પાછો બહાર નીકળે. રાત્રે 11 વાગ્યે તેનું કામ શરૂ થાય. આ કામ એટલે ચોરી કરવી.
રાત્રે ગાર્ડનમાંથી નીકળે એટલે કોઇ ટાર્ગેટ લઇને નીકળે તેવું નહોતું. તે ચાલતો-ચાલતો આવે અને તેને લાગે કે આ ઓફિસમાં ચોરી કરવી છે એટલે ત્યાં અંદર ઘૂસી જાય અને બંધ ઓફિસને પોતાનું નિશાન બનાવે. સાધન વડે ઓફિસની કાચની બંધ બારીઓ અને ઓફિસની ગ્રિલ તોડીને તે અંદર ઘૂસે અને ચોરી કરે. ચોરી કરવામાં પણ તેનો એક નિયમ. તે ફક્ત કેશની જ ચોરી કરતો, કોઇ વસ્તુ કે બીજા કશાની નહીં.
ચોરી કર્યા બાદ પકડાઇ ન જવાય તેનું પણ તે ખાસ ધ્યાન રાખતો. આ માટે તે ચોરી કર્યા બાદ એકાદ કિલોમીટર ચાલીને જતો અને પછી ગમે તે રિક્ષામાં બેસી જતો. જેથી પોલીસ તેને ટ્રેસ ન કરી શકે.
આવી જ રીતે તેણે ઘણી ઓફિસમાં ચોરી કરી હતી. 2 મહિનાના ગાળામાં એક જ મોડસ ઓપરેન્ડીથી 4 ચોરી થઇ હતી. આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2, સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ચોરી થઇ હતી.આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરાછાપરી એક પછી એક ચોરીની ઘટના બનતા પોલીસ સક્રિય થઇ હતી. પોલીસે જે-જે જગ્યાએ ચોરી થઇ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા જેમાં તેને દરેક ફૂટેજમાં મહેન્દ્રસિંહ કોમન દેખાતો હતો. આના લીધે પોલીસને મહેન્દ્રસિંહ પર શંકા ગઇ એટલે પોલીસે 4 લોકોની ટીમ બનાવીને તેની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસને પાલડીથી આગળની કોઇ કડી નહોતી મળતી શોધખોળ કરતી-કરતી પોલીસ છેલ્લે પાલડી પાસે આવીને ઊભી રહી જતી. અહીંથી આગળની કોઇ કડી તેને મળતી નહોતી. છેવટે પોલીસે આરોપી મહેન્દ્રસિંહનો ફોટો લઇને ફેરિયા, લારી-ગલ્લાવાળાઓને પૂછવાનું શરૂ કર્યું. જેમાંથી પોલીસને જાણકારી મળી કે આવી એક વ્યક્તિ અહીંયાં આવે છે.
ગરીબો બોલ્યા, આ તો અમારા શેઠ છે પોલીસે પાલડી ચાર રસ્તા નજીક રસ્તા પર રહેતા લોકોની પૂછપરછ કરી હતી, જેમાંથી કેટલાક લોકોએ આરોપીનો ફોટો જોઇને તરત જ તેને ઓળખી લીધો. એ લોકોએ પોલીસને કહ્યું કે આ તો અમારા શેઠ છે, અમારા સાહેબ છે. શું થયું છે? તમે તેમને કેમ શોધી રહ્યા છો? લોકોનો આવો જવાબ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ. પોલીસને એવું હતું કે આ તો ચોર છે, પરંતુ ચિત્ર કંઇક અલગ જ સામે આવ્યું એટલે પોલીસે આ લોકોને વધુ કંઇ કહ્યું નહીં. ફક્ત એટલું જ કહ્યું કે અમારે તેનું એક કામ છે.
પોલીસે એક અઠવાડિયા સુધી વોચ રાખી બસ અહીંથી જ પોલીસને આરોપી પકડાઇ જવાની આશા જાગી. પોલીસે તેને પકડવા લગભગ એક અઠવાડિયા સુધી સતત વોચ રાખી હતી. અંતે તે આનંદનગર વિસ્તારમાંથી પોલીસની પકડમાં આવી ગયો હતો.