- શિવાજી મહારાજે પ્રજાના અધિકારોનુ રક્ષણ કર્યુ.
નાગપુર,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે દુનિયાના ’સારા દેશો’માં વિચારોની ભીડ હોય છે. એક વિચારધારા કે એક વ્યક્તિ કોઈ દેશને બનાવી કે બગાડી નથી શક્તી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં રાજરત્ન પુરસ્કાર સમિતિ તરફથી આયોજિત પુરસ્કાર સમારંભમાં આ મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે, ’એક વ્યક્તિ, એક વિચાર, એક સમૂહ, એક વિચારધારા કોઈ દેશને બનાવી કે બગાડી નથી શક્તી.’
સંઘ પ્રમુખ મોહન ભાગવતે આગળ કહ્યુ કે, દુનિયાના સારા દેશો પાસે દરેક પ્રકારના વિચાર હોય છે. તેમની પાસે બધા પ્રકારની વ્યવસ્થાઓ પણ હોય છે અને તે આ જ વ્યવસ્થાઓ સાથે આગળ વધી રહ્યા છે. નાગપુરના પૂર્વ શાહી પરિવાર વિશે આરએસએસના વડાએ કહ્યુ કે ભોંસલે પરિવાર સંઘના સંસ્થાપક કેબી હેડગેવારના સમયથી આરએસએસ સાથે જોડાયેલો છે. ભાગવતે જણાવ્યુ કે છત્રપતિ શિવાજી મહારાજે ’સ્વરાજ્ય’ (સાર્વભૌમ રાજ્ય)ની સ્થાપના કરી અને દક્ષિણ ભારત તેમના સમય દરમિયાન જુલમથી મુક્ત થયુ, જ્યારે પૂર્વ અને ઉત્તર ભારત નાગપુર ભોંસલે પરિવારના શાસન દરમિયાન શોષણમાંથી મુક્ત થયુ. મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે રાજાનો અર્થ સેવક થાય છે, શાસક નહિ. હવે જમાનો પ્રજાતંત્રનો છે એટલે હવે રાજા નથી રહ્યા. તેમણે દાવો કર્યો કે શિવાજી મહારાજે પ્રજાના અધિકારોનુ રક્ષણ કર્યુ.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રમુખ મોહન ભાગવતે બિહારમાં કહ્યુ હતુ કે ભારતને ’વિશ્ર્વ ગુરુ’ બનાવવા માટે દેશના તમામ લોકોએ સાથે મળીને કામ કરવુ પડશે. આપણે સૌ પ્રથમ આપણા સંતોના ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં અમલમાં મૂકવા જોઈએ. સંતોના પ્રાચીન ઉપદેશોને પહેલા ઘરમાં અનુસરવા જોઈએ અને પછી બહાર તેનો પ્રચાર કરવો જોઈએ. આપણા સંતોના ઉપદેશોને આપણા રોજિંદા જીવનમાં સૌથી પહેલા અમલમાં મૂકવા જોઈએ. આ પ્રાથમિક્તા હોવી જોઈએ. લોકોએ પોતાનો અહંકાર વધવા ન દેવો જોઈએ અને ભૌતિકવાદથી દૂર રહેવુ જોઈએ. વ્યક્તિએ હંમેશા સત્યને વળગી રહેવુ જોઈએ. વિશ્ર્વ એક ભ્રમ છે, માત્ર બ્રહ્મ જ સત્ય છે.’ મોહન ભાગવતે લોકોને હંમેશા સત્ય બોલવાની સલાહ આપી. તમને જણાવી દઈએ કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ૧૬ ફેબ્રુઆરીથી પાંચ દિવસીય પ્રવાસ પર બરેલી જઈ રહ્યા છે.