સુરત,સુરતના કામરેજ સ્થિત ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા મોત નીપજ્યું છે. એમ્બ્રોડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીની બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ બારીની બહાર હાઈટેન્શનની લાઈનને અડી જતા બન્ને કારીગરને કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે બન્ને કારીગરને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ સમગ્ર મામલે કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના કામરેજ ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં રાજેશભાઈ સવજીભાઈ વરડિયાનું એમ્બ્રોડરીનું કારખાનું આવેલું છે. અહી મૂળ યુપીના વતની ભગવાનસિંહ સાહબસિંહ રાજપૂત (ઉં.વ.૨૭) અને સતીષકુમાર મલીખાનસિંહ રાજપૂત (ઉં.વ.૨૮) નામના બે કારીગર કામ કરતા હતા. ભગવાનસિંહ અને સતીષકુમાર કારખાનામાં બીજા માળે એમ્બ્રોડરીના મશીન ઉપર કામ કરતા હતાં તે સમયે મશીનમાં કાપડ ફેરવતી વખતે એમ્બ્રોડરીનું મશીન ૩૦ ફૂટની લંબાઈનુ હોય જે મશીનની ફેરબદલી કરવાની હતી. ત્યારે ઉતાવળે ભગવાનસિંહ અને સતીષકમારે મશીનનો એક છેડો બારીની બહાર કાઢતા જે બારીની બહાર વીજ પૂરવઠાની હાઈટેન્શનની લાઈન પસાર થતી હતી તેને અડી ગયો હતો. જેથી બન્ને કારીગરોને જોરદાર કરંટ લાગ્યો હતો.
હાઈટેન્શન લાઇનને મશીનનો એક ભાગ અડી જતા બન્ને કારીગરોને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ બન્ને કારીગરો જમીન પર ઢળી પડ્યા હતા. કરંટ લાગતા કારખાનામાં કામ કરતા કારીગરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બન્ને કારીગરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.
કામરેજમાં એમ્બ્રોડરીના કારખાનામાં બે કારીગરને લાગેલ કરંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના હચમચાવતા સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં માત્ર એક સેકન્ડમાં કરંટ લાગતા કારીગર જમીન પર ઢળી પડે છે. બનાવની જાણ થતાં કામરેજ પોલીસ તથા મરનાર ભગવાનસિંહ રાજપુતના માસીભાઈ ચંદ્રપ્રકાશ રાજપુત સહિત અન્ય ગામવાસીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતાં. જ્યાં એમ્બ્રોડરીના કારખાનાના સીસીટીવી ફૂટેજ હોય પોલીસે કબજે લઈ અકસ્માત મોતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભગવાનસિંહ રાજપૂત અને સતીષ રાજપૂતના મૃતદેહ વતન ઉત્તરપ્રદેશ લઈ જવાની કાર્યવાહી કરી હતી.