1 નવેમ્બરથી યુનિવર્સિટીઓ, કોલેજોમાં ફર્સ્ટ યરના ક્લાસ ફરી શરૂ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી)એ વર્ષ 2020-21ના સત્ર માટેના સુધારિત શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી દીધી છે એ સાથે જ આવતી 1 નવેમ્બરથી ફર્સ્ટ યર અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વર્ગો ફરી શરૂ કરવામાં આવશે. દારો કે એડમિશન માટેની ક્વોલિફાઈંગ પરીક્ષાઓના પરિણામની જાહેરાતમાં વિલંબ થાય તો યુનિવર્સિટીઓ 18 નવેમ્બર સુધીમાં શૈક્ષણિક સત્ર શરૂ કરી શકશે, એમ યૂજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે.તેણે એમ ઉમેર્યું પણ છે કે શિક્ષણની પ્રક્રિયા ઓફ્ફલાઈન/ઓનલાઈન/બ્લેન્ડેડ માધ્યમમાં પણ ચાલુ રાખી શકાશે.

દેશમાં ઉચ્ચ શિક્ષણ માટેની રેગ્યૂલેટર સંસ્થા, યૂજીસીએ લીધેલા આ નિર્ણય અનુસાર, તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોએ એડમિશનની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી કરવાની રહેશે. તેઓ બાકીની ખાલી સીટ 30 નવેમ્બર સુધીમાં ભરી શકશે.