૧ મિનિટમાં ૧ કરોડ કમાવું છું: ઉર્વશી રૌતેલા

  • બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફેંક્યું જોરથી
  • બોલી- 1 મિનિટમાં 1 કરોડ રુપિયા કમાવું છે
  • ફેન્સે આ વાતને ખોટી ગણાવી, હજુ સુધી આટલી કમાણી કોઈને નથી કરી 

બોલિવુડની ગ્લેમરસ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચેનું કથિત અફેર તો ખૂબ ચર્ચામાં છે. આ ઉપરાંત પણ ઉર્વશી હંમેશા કોઈને કોઈ કારણસર સમાચારમાં ચમકતી જ રહેતી હોય છે. ક્યારેક પોતાની ફેશન અને સ્ટાઇલ વિશે તો ક્યારેક ડેટિંગના સમાચાર વિશે. આ દરમિયાન એક્ટ્રેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાની એક્ટિંગ ફીને લઈને એક રિપોર્ટર સાથે વાત કરતી જોવા મળી રહી છે. જો કે એક વાતે સૌને ચોંકાવી દીધા છે, જ્યારે ઉર્વશી રૌતેલાને રિપોર્ટરે કહ્યું કે તે સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી બની ગઈ છે. એક અભિનેત્રીનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્વશીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં એક રિપોર્ટર ઉર્વશી રૌતેલાને પૂછે છે કે સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ બનવું કેવું લાગે છે કારણ કે તમે 1 મિનિટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરો છો, જેના પર ઉર્વશીએ કહ્યું કે આ ખૂબ જ સારી ફીલિંગ છે. મને લાગે છે કે, દરેક સેલ્ફ મેડ એક્ટર અને એક્ટ્રેસે પોતાની કારકિર્દીમાં આ સિદ્ધિ જોવી જોઇએ. 

ઉર્વશીનો આ વીડિયો સામે આવ્યાં બાદ લોકોએ તેને બરાબરની ટ્રોલ કરી હતી અને તેની વાતને ફેંકમફેંક ગણાવી હતી. વીડિયો શેર કરતા યુઝરે લખ્યું છે કે “દેવી ઉર્વશી નવા પીઆર સ્ટંટ સાથે પાછી ફરી છે. ઉર્વશીના આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, દીદી 1 કલાકમાં 60 કરોડની કમાણી કરે છે!! એક દિવસમાં 1440 કરોડ!! વાહ. દીદી, તમે મંગળ પર જાઓ, અહીં કોઈ જરૂર નથી. એક યુઝરે લખ્યું કે, “આ જ કારણ છે કે દીદીને તેમની ફિલ્મમાં કોઈ વધારે કાસ્ટ કરતું નથી. અન્ય એક યુઝરે લખ્યું કે સેલ્ફ મેડ સુપરસ્ટાર ઉર્વશી રૌતેલાએ 1 મિનિટ માટે 100 કરોડ લેવા જોઈએ. એક યુઝરે લખ્યું, દીદી, મને તમારી 1 મિનિટની કમાણી આપો, મારા સપના પૂરા થશે.

ઉર્વશી રૌતેલાએ 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અભિનેત્રીની નેટવર્થ આશરે 236 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, તે મહિને 45 લાખથી વધુની કમાણી કરે છે. તે એક મ્યૂઝિક વીડિયો માટે 35 થી 40 લાખની ફી લે છે તે એક ફિલ્મ માટે 3 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. ઉર્વશી પાસે મર્સિડીઝ એસ કૂપે એસ 40 છે, જેની કિંમત લગભગ 1.98 કરોડ રૂપિયા છે.