
સિંગાપુર,સિંગાપુરમાં બુધવારે ભારતીય મૂળના એક શખ્સને ગાંજાની તસ્કરી કરવા બદલ ફાંસીની સજા આપી હતી. માદક પદાર્થની તસ્કરીની રોકથામને લઈને દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં કડક કાયદા બનાવવામાં આવ્યા છે. હાલમાં જ સિંગાપુરનો એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક શખ્સને ફક્ત એટલા માટે મોતની સજા આપવામાં આવી, કેમ કે તેણે ગાંજાની તસ્કરી કરી હતી.
આપને જણાવી દઈએ કે, ફાંસી નહીં આપવાને લઈને તાંગારાજૂના પરિવારે રાષ્ટ્રપતિને અપીલ કરી હતી. પણ રાષ્ટ્રપતિ તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા આવી નથી. ૪૬ વર્ષના તંગારાજૂ સુપ્પૈયાને નશીલી દવાઓના સેવન કરવા અને ડ્રગ તસ્કરીના આરોપ બાદ વર્ષ ૨૦૧૪માં ધરપકડ કરી હતી.
તંગારાજૂ સુપ્પૈયાને ૧ કિલો ભાંગની તસ્કરી કરવાના મામલામાં ૯ ઓક્ટબર ૨૦૧૮માં દોષિત ઠેરવ્યો હતો અને તેને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સિંગાપુરમાં ડ્રગ્સને લઈને આકરા કાયદા બનાવેલા છે.
તંગારાજૂએ પોતાના બચાવમાં કોર્ટને કહ્યું હતું કે, તે ડ્રગ તસ્કરીમાં સામેલ નહોતો અને તસ્કરી માટે કોઈ સાથે વાત પણ નથી કરી. પણ કોર્ટે તંગારાજૂની આ દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, તંગારાજૂના ફોનમાંથી એ સાબિત થાય છે કે, તે ડ્રગ તસ્કરીના ગુનામાં સામેલ હતો.
સિંગાપુર જેલ સેવાના એક પ્રવક્તાએ એએફપીને જણાવ્યું છે કે, સિંગાપુરના ૪૬ વર્ષીય તંગારાજૂ સુપ્પૈયાને ચાંગી જેલ પરિસરમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી છે.