પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના રાજ્યસભા અને લોક્સભાના કમિટી સભ્યોએ દર્શન કરી આશીર્વાદ લીધા

સોમનાથ, શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન માટે આવતા હોય છે. અને દર્શન કર્યા પછી ધન્યતા અનુભવતા હોય છે. શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવ સમક્ષ ‘સોમેશ્ર્વર મહાપૂજા’ કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. પાલયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીના ઓન હોમ અફેર્સના સભ્યોઓ દ્વારા ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત સમીક્ષા કરી હતી.

મહાદેવના ૧૨ જ્યોતિર્લિંગ માં ભક્તિ, દિવ્યતાના પ્રતિક સમાન સોમનાથ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ છે. પાલયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના ચેરમેન બ્રિજલાલ સહિત રાજ્ય સભા-લોક્સભાના સાંસદ એવા કમિટીના સભ્યોએ સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તે પછી નવા સર્કિટ હાઉસ ખાતે કમિટીએ સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી બાબતો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.

સોમનાથ મંદિરની મુલાકાત લઇ શિલ્પની દ્રષ્ટિએ કલાત્મક્તા તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ મંદિરની ભવ્યતા નિહાળી કમિટીના તમામ સભ્યો મંત્રમુગ્ધ થયા હતાં. દર્શન બાદ સંર્ક્તિન હૉલ ખાતે શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કમિટીના તમામ સભ્યોના હસ્તે પૂજન, અર્ચન સાથે ‘સોમેશ્ર્વર મહાપૂજા’ અને આરતી સંપન્ન કરાવવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કમિટીના તમામ સભ્યોને પ્રસાદ ભેટ આપવામાં આવી હતી.

સોમનાથ દર્શન બાદ કમિટિએ ‘ઓન ધ સ્પોટ એસેસમેન્ટ ઓફ ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઓફ સોમનાથ ટેમ્પલ’ અંતર્ગત નવા સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજી હતી. જેમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ પ્રેઝન્ટેશન દ્વારા સોમનાથ મંદિરની ભૌગોલિક સ્થિતિ વિશે ચિતાર આપ્યો હતો. તેમજ કંટ્રોલરૂમ તેમજ આપત્તિ સમયના ઉપયોગમાં લેવાતી વિવિધ જરૂરિયાતો વિશે પ્રાથમિક માહિતી આપી હતી.

જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજાએ મંદિરની રાઉન્ડ ધ ક્લોક સિક્યોરિટી, પેટ્રોલિંગ, આર્મ્ડ સિક્યોરિટી, વોચ ટાવર, હોટલ્સનું ચેકિંગ એમ સુરક્ષાને લગતી વિવિધ બાબતો જણાવી હતી. ઉપરાંત સીઈઓ મનિષ ભારદ્વાજ દ્વારા તમામ રિકન્સ્ટ્રક્શન એક્ટિવિટી, દરિયાઈ આપત્તિની તૈયારી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન વિશે અવગત કરાયા હતાં. જે પછી અધ્યક્ષ સ્થાનેથી સોમનાથ મંદિરની સુરક્ષાને લગતી વિવિધ સુરક્ષા બાબતો વિશે સૂચનાઓ આપવામાં આવી હતી.

પાલયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન હોમ અફેર્સના સભ્યોની સોમનાથ મુલાકાત સમયે સોમનાથ ટ્રસ્ટ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્રના શીર્ષ અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી.