સુરતની વરાછા પોલીસે અમરોલીના વકીલ અને નોટરીના ખોટા સહી સિક્કા બનાવી સાચા તરીકે તેનો ઉપયોગ કરતા કિશોર સહિત બે ઠગોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ યુ ટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી ઓફીસ ખોલી ૧૧ મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ, મેરેજ સટફિકેટ ઈશ્યુ કર્યા હતા.
સુરતના અમરોલી ફાયર સ્ટેશન પાસે એલઆઈજી અંબિકા બિલ્ડિંગમાં રહેતા અને વ્યવસાયે વકીલાત કરતા રાકેશ કાંતીલાલ પટેલે અમરોલી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આકાશ કીરીટભાઈ ઘેટીયા અને બાળકિશોરએ અગાઉથી લોકોને છેતરવાના ઈરાદે પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરિયાદી વકીલ રાકેશ પટેલની જાણ બહાર તેમના નોટરીના તથા અન્ય નોટરીના તેમજ સરકારી કચેરીના તેઓની પાસેના રબ્બર સ્ટેમ્પ બનાવવાના મશીનમાં ખોટા સિક્કાઓ બનાવયા હતા.
તેમજ ભાડાકરાર, એફીડેવીટ તથા અન્ય ખોટા લખાણો કરી તેમાં પોતે બનાવેલ ખોટા સિક્કા મારી તેમજ ખોટા નોટરી રજીસ્ટર બનાવી તેમાં નોંધ કરી અને તે લખાણો ખોટા હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરતા હતા. આ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરુ કરી હતી અને કિશોર સહિત બે ઠગોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓએ નોટરીની ઓફીસ ખોલી વકીલ અને તલાટીના સિક્કા બનાવ્યા અને ૧૧ મહિનામાં હજ્જારો નકલી સ્ટેમ્પ, મેરેજ સર્ટિફિકેટ ઈશ્યુ કર્યા હતા.
આ ગુનામાં ૧૭ વર્ષના સગીર અને ૨૮ વર્ષના પિતરાઈ જાતે જ વકીલ અને તલાટી બન્યા હતા અને યુ ટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખી મશીન મગાવ્યું હતું. પોલીસને ઓફીસમાંથી વકીલ ના સ્ટેમ્પ, કરચેલીયા, બગુમરા અને સોનગઢના લગ્નની નોંધણીના સિક્કા મળી આવ્યા છે.