શહેરા માં પાનમના પીવાના પાણીની પાઇપ લાઈન છાસવારે લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ

  • પાનમ ડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવા છતાં પાનમના પીવાના પાણીની લાઈન માંથી પાણીનો થઈ રહ્યો વેડફાટ.
  • પાનમની પીવાના પાણીની લાઈનની મરામત અનેક વખત તેમ છતાં અનેક જગ્યાએ લીકેજ હોવાથી પાણીનો થઈ રહ્યો વેડફાટ.

શહેરા,
શહેરા તાલુકામાં આવેલા પાનમ જળાશય માંથી પાણીનો જથ્થો ગોધરા સ્થિત આવેલી પંચમહાલ ડેરીમાં પહોંચડાવમાં આવે છે. હવે આ પાઈપ લાઈન જ્યાં નાખવામાં આવી છે, ત્યાંથી લઈને શહેરા સુધીમાં કેટલાયે ગાબડા પડેલા છે. શરૂઆતમાં સામાન્ય લીકેજ થી લઈ પછી મસમોટા ભુવા પડવા અથવા તો લીકેજવાળી જગ્યા બેસી જવાના બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે. ત્યારે રવિવારના રોજ શહેરા માર્કેટિંગયાર્ડ બહાર હમણાં થોડા સમય પહેલાં જ બીજી વખતનું સમારકામ પાઈપ લાઈનમાં ભંગાણ થતા હાથ ધરાયું હતું. ત્યાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરી સામે અનેક પ્રશ્ર્નોએ સ્થાન લીધું છે. ભંગાણના કારણે વાહન વ્યવહાર પર મોટી અસર પડી હતી અને વન વે વાહન વ્યવહાર કરવામાં આવતા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ, બે વખતના સમારકામ બાદ પણ ત્રીજી વખત લીકેજ થતા લાખો લીટર પાણીના બગાડ માટે જવાબદાર કોણ ? ચોમાસા દરમિયાન પણ પાનમ જળાશયમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક ન થતાં આગામી સમયમાં કદાચિત સિંચાઈ અને ઘર વપરાશના પાણી માટે સમસ્યા ઉભી થઈ શકે તેવામાં આ રીતનો પાણીનો વેડફાટ થકી તંત્ર શું સાબિત કરવા માંગે છે. શું સમારકામના નામે અધિકારીઓ અને તેઓના મળતીયાઓ સરકારના રૂપિયા પોતાના ખિસ્સામા જ સેરવતા હશે ! નોંધનીય છે કે, ત્રીજી વખત એક જ જગ્યાએ સમારકામ હાથ ધરાયું છે. ત્યાંથી લઈ છેક બસ મથક વિસ્તાર સુધી પાનમ પાઈપલાઈનમાં ગાબડા પડ્યા હોવાના બનાવો બનવા પામ્યા છે, પરંતુ કોઈ ને કોઈ કારણોસર ભંગાણ ફરીથી સર્જાતું રહે છે. આમ, કહી શકાય કે અધિકારીઓ અને તેની નીચેના કર્મચારીઓ સર્જાતા ભંગાણના સમારકામમાં ગંભીરતા ન દાખવતા મુખ્ય કહી શકાય એવા કાર્યમાં નિરાકરણ નથી આવતું અને આવું ક્યાં સુધી ચાલશે શું અધિકારી આ બાબતે પોતાની પ્રતિબદ્ધતા બતાવી આ પ્રકારના ભંગાણને અટકાવશે કે કેમ એ તો આવનાર સમય જ કહેશે.