શરાબ કૌંભાડમાં ED એ મનિષ સિસોદિયાના નજીક ગણાતા અમિત અરોરાની ધરપકડ કરી

નવીદિલ્હી,

દિલ્લી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ઈડીએ અમિત અરોરાની ધરપકડ કરી છે. અમિત અરોરા ગુરુગ્રામના બિઝનેસમેન છે. અમિત અરોરા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નજીકના માનવામાં આવી રહ્યા છે. ED એ આરોપ લગાવ્યો છે કે અમિત અરોરા, દિનેશ અરોરા અને અર્જુન પાંડે, દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નજીકના સહયોગી હોવાનુ માનવામાં આવે છે. આ લોકોએ દારૂના લાયસન્સ ધારકો પાસેથી મળેલા રૂપિયાનો વહીવટ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે. શરાબના વેપારી સમીર મહેન્દ્રુની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલ પૂછપરછ બાદ ૨૭ સપ્ટેમ્બરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અમિત અરોરા દારૂના એ જ વેપારી છે, જે ભાજપ દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં પણ જોવા મળ્યાં હતા. અમિત અરોરાની સીબીઆઈએ પણ પૂછપરછ કરી હતી. ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ અમિત અરોરાને ત્યાં દરોડા પાડ્યા હતા. અમિત અરોરા બડી રિટેલ અને અન્ય ૧૩ કંપનીઓમાં ડિરેક્ટર છે. અગાઉ તેઓ ૩૭ કંપનીઓના ડિરેક્ટર પદ ધરાવતા હતા. એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર માટે અમિત અરોરાની વિવિધ કંપનીઓની મહત્વની ભૂમિકા હોવાની શંકા છે. આ કંપનીઓના બેંક ખાતામાંથી હોટેલમાં રૂમ અને લાઈટની ટિકિટ બુક કરવામાં આવતી હતી. હવે તપાસનો વિષય એ છે કે શું અમિત અરોરાની ઉદારતાથી અમલદારો, રાજકારણીઓ સહિત સરકારી કર્મચારીઓને ફાયદો થયો છે કે નહી? તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

સીબીઆઈને શંકા છે કે નવી દારૂની નીતિ ઘડવામાં અરોરાની સાથે અન્ય લોકોનો પણ હાથ હતો. જેમને શરાબની પોલીસીના ફેરફારનો સીધો ફાયદો થયો હતો. બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ દિલ્લીમાં બે ઝોનમાં દારૂનો વ્યવસાય કરે છે. જેમા પહેલો એરપોર્ટ ઝોન છે અને બીજો ઝોન-૩૦ વિસ્તારનો છે.

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા એ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે કે અમિત અરોરાની કંપનીએ, એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી લીધી હતી કે નહીં? કોના કહેવા પર, નવી દારૂ નીતિ હેઠળ તમામ ગેરરીતિઓ આચરવામાં આવી હતી અને ૩૦ કરોડની રકમ જપ્ત કરવાને બદલે રૂપિયા પરત કેમ કરવામાં આવ્યા હતા. અમિત અરોરા ઉપર એવો પણ આક્ષેપ છે કે તે દિલ્લીના બે અધિકારીઓનાના સંપર્કમાં હતા, જેઓ દારૂ નીતિનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સીબીઆઈ બાદ ઈડીએ પણ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ સીબીઆઈની જેમ ઈડીની ચાર્જશીટમાં પણ મનીષ સિસોદિયાનું નામ નથી. આમ આદમી પાર્ટી તેને ક્લિનચીટ તરીકે લઈ રહી છે. મનીષ સિસોદિયાને ખોટી રીતે બદનામ કરવા બદલ ભાજપના નેતાઓ માફી માંગે તેવી માંગ કરી હતી.