
મુંબઈ ક્રાઇમ બ્રાંચમાંથી વિક્રમસિંગ બોલુ છું, તેમ કહીને વડોદરાની મહિલાને સાડા સાત મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ મહિલા પાસેથી 1.89 કરોડ રૂપિયા પડાવ્યા છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મહિલાને વીડિયો કોલ પણ કર્યા હતા વડોદરા શહેરમાં રહેતી મહિલાને 22 ઓગસ્ટના રોજ સાયબર માફિયાઓએ કોલ કર્યો હતો અને મુંબઈ ક્રાઇમ બ્રાંચમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંગ બોલુ છું. તમારુ આધારકાર્ડ અને મોબાઇલ નંબરનો હ્રુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ, સ્મગ્લીંગ, મની લોન્ડ્રીંગ, આઇડેન્ટીટ થેપ્ટ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વેબસાઇટમાં ઉપયોગ થયો છે. જેમાં મહોમદ ઇસ્લામ મલીક નામનો આરોપી પકડાયો છે. ત્યારબાદ સાયબર માફિયાઓએ મહિલાને વીડિયો કોલ પણ કર્યાં હતા.
મહિલાએ વિવિધ બેંક એકાઉન્ટમાં 1.89 કરોડ ટ્રાન્સફર કર્યા 22 ઓગસ્ટ 2024થી 2 એપ્રિલ 2025 દરમિયાન વડોદરાની મહિલાને સતત ફોન અને વીડિયો કોલ કરીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ રાખી હતી અને બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંક સહિતના વિવિધ બેંક એકાઉન્ટમાં મહિલાએ નાણા ટ્રાન્સફર કર્યાં હતા. સાયબર માફિયાઓએ અત્યાર સુધીમાં કુલ 1,89,00,017 રૂપિયા મહિલા પાસેથી પડાવ્યા છે.
આ દરમિયાન સાયબર માફિયાઓએ મહિલાને બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા અને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી હતી અને મહિલાને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને ટુકડે ટુકડે મહિલા પાસેથી આ મોટી રકમ પડાવી હતી. આ મહિલાએ છેવટે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ સ્કેમથી બચવા માટે શું કરી શકાય?
- જ્યારે આ પ્રકારનો કોલ મળે છે ત્યારે તુરંત જ 1930 પર કોલ કરો અને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે કોઈપણ પોલીસ આ રીતે ડાયરેક્ટ ક્યારેય કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. આ પ્રકારની ઘટનામાં ક્યારેય પણ ભયમાં મુકાયા વગર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આવા ઠગબાજોથી બચવું જોઈએ.
- કોઈપણ વ્યક્તિ જ્યારે નકલી પોલીસ ઓફિસર બનીને તમને વ્હોટ્સએપ કોલ કરે છે ત્યારે તમારે ખાસ કરીને ચેતી જવું જોઈએ અને તેઓને કહેવાનું કે, તમે જ્યાં છો અમે ત્યાં આવીએ છીએ, ત્યારે તેઓ સામેથી કોલ કાપી દેશે.
- જ્યારે તમારૂ કુરિયર આવ્યું છે અને તેમાં ડ્રગ્સ છે એવો કોઈપણ કોલ આવે તો તે બાબતે ધ્યાન ન આપવું જોઈએ. આ સાથે જ જે ઠગ છે તેઓ કોઈપણ લિંક કે સ્કાઇપ જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે તો તે ન કરવું જોઈએ.
- જ્યારે ઠગબાજ તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ માગે તો તેઓને ન આપવું જોઈએ, વીડિયો KYCમાં ક્યારેય પણ તમારો ચહેરો ન બતાવો જોઈએ.
- આવો કોલ આવે છે ત્યારે તેઓની તમામ માહિતી ભેગી કરી 1930 પર કોલ કરી તુરંત જાણ કરવી જોઈએ.
- જ્યારે સાયબર ગઠિયાઓ તમને ઠગે તે પહેલા થયેલી ચેટ મોકલેલા ફોટોઝ જે કંઈ પૂરાવા હોય તેનો સ્ક્રીનશોટ લઈ રાખવો જોઈએ, જેથી તેઓ ડિલીટ કરે તો આપણે પોલીસને જાણ કરી શકીએ.
- મોટાભાગના સાયબર ક્રાઈમ માટે ત્રણ બાબતો સૌથી મહત્વની અગત્યની બાબતો છે. જેમાં પ્રથમ ડર બતાવે છે, ત્યારબાદ લાલચ આપે છે. આ બાબતથી આપણે દૂર રહીએ તો આવા સ્કેમથી આપણે બચી શકીએ છીએ.