અંબાજી,
અંબાજીથી ૩ કિલોમીટરના અંતરાલે આવેલા ગબ્બર ગોખના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર રોપ વેની સુવિધા નો લાભ દર્શનાર્થીઓ લેતા હોય છે. વર્ષ ભર મોટી સંખ્યામાં માઇભક્તો ગબ્બર પર્વત પર આવેલા માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપ વેનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે રોપ વેનો ધસારો પણ મોટી સંખ્યામાં થાય છે. જેથી વર્ષમાં રોપ વેના મેન્ટેનન્સ અને રખ રખાવની કામગીરીને યાન રાખી રોપ વે સુવિધા ટૂંક સમય માટે બંધ કરવામાં આવતી હોય છે. આવનાર તારીખ ૨/૮/૨૦૨૩ થી લઈ ૫/૮/૨૦૨૩ સુધી અંબાજી ગબ્બર સ્થિત રોપ વેની મેન્ટેનન્સની કામગીરીને લઈ ઉષા બ્રેર્ક્સ દ્વારા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીને યાને રાખી ૪ દિવસ માટે રોપવે ની સુવિધા બંધ રાખવામાં આવશે. આ દરમ્યાન દર્શનાર્થીઓ પગથિયા ચઢીને ગબ્બર ગોખના દર્શન કરી શકે છે. મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ ૦૬/૦૮/૨૩ થી રોપ વે સુવિધા યાત્રાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે માં જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. અંબાજીમાં માતાજીના નિજ મંદિરના દર્શન કર્યા બાદ યાત્રાળુઓ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે રોપવેની સુવિધાનો લાભ લેતા હોય છે. અને અમુક દર્શનાર્થી ૧૦૦૦ પગથિયા ચડીને માતાજીના દર્શન કરવા માટે ગબ્બર પર્વત પર જતા હોય છે. મોટા ભાગે દર્શનાર્થી ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે રોપ વેનો સહારો લેતા હોય છે.