ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં સતત વરસાદને કારણે મુશ્કેલીઓ વધી રહી છે. ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી બાદ રવિવારે ચારધામ યાત્રાને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 7-8 જુલાઈએ ભારે વરસાદ થવાની સંભાવના છે. ગઢવાલના ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રવિવારે ચારધામ યાત્રા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે સાંજે બેઠકમાં બીજા દિવસની યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
હવામાન વિભાગે 7-8 જુલાઈએ ગઢવાલ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેને જોઇને તમામ યાત્રાળુઓને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ 7 જુલાઈએ ઋષિકેશથી આગળ ચારધામ યાત્રા પર ન નીકળે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને એક દિવસ માટે સ્થગિત કરીને યાત્રાળુઓને જ્યાં હોય ત્યાં આરામ કરવા અને હવામાન સાફ ન થાય ત્યાં સુધી રાહ જોવાની અપીલ કરવામાં આવી છે. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એલર્ટ મોડ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ ઋષિકેશ અને વિકાસનગરના તીર્થયાત્રીઓને ચારધામ યાત્રા માટે ન મોકલવા સૂચના આપવામાં આવી છે.
શનિવારે ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગમાં ભૂસ્ખલન બાદ પહાડ પરથી પડેલા પથ્થરોની ઝપેટમાં આવવાથી હૈદરાબાદના બે બાઇક સવાર તીર્થયાત્રીઓનાં મોત થઇ ગયા. તેઓ બાઇક પર બદ્રીનાથથી પરત ફરી રહ્યા હતા અને આ દરમિયાન દુર્ઘટનાના શિકાર થઈ ગયા. ઉત્તરાખંડમાં વહેતી નદીઓ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ પર જોખમ વધી ગયું છે. કેદારનાથ રૂટ પર 3,000 શ્રદ્ધાળુઓ 20 કલાક સુધી ફસાયેલા રહ્યા. ભૂસ્ખલનને કારણે, રાજ્યના 200 થી વધુ કનેક્ટિવિટી માર્ગો અવરોધિત છે, જ્યારે 300 થી વધુ ગામો અલગ પડી ગયા છે.
બદ્રીનાથમાં કાટમાળના કારણે હાઇવે બંધ
કેદારનાથ હાઇવે પર રૂદ્રપ્રયાગમાં દોલિયા દેવી પાસે 20 કલાકથી શ્રદ્ધાળુઓ ફસાયેલા રહ્યા. બદ્રીનાથમાં કાટમાળને કારણે, હાઇવે સાત સ્થળોએ લગભગ નવ કલાક સુધી બંધ રહ્યો, જેના કારણે બદ્રીનાથ અને હેમકુંડ સાહિબની મુલાકાતે આવેલા 2,000 થી વધુ યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયા હતા. ગંગોત્રી હાઈવે અને યમુનોત્રી હાઈવે ચાર કલાક સુધી બ્લોક રહ્યો હતો. આ દરમિયાન એક હજારથી વધુ યાત્રાળુઓ ફસાયેલા રહ્યા હતા. રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિની નદીનું જળસ્તર ચેતવણી રેખાથી ઉપર પહોંચી ગયું છે.