પાકિસ્તાન ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હોવાના દાવા કરતો એક રિપોર્ટ સામે આવ્યો છે. ભારતની સરહદથી માત્ર ૨૦ કિમી દૂર પાકિસ્તાને નવુ એરફીલ્ડ તૈયાર કરી નાખ્યું છે. આ ઉપરાંત ચીન પાસેથી મેળવવામાં આવેલી એસએચ ૧૫એસપી હોવિત્ઝર તોપ પણ તૈનાત કરવામાં આવી છે. આ એરફીલ્ડ લાહોર પાસે તૈયાર કરવામાં આવ્યું છે. જોકે આ એરફીલ્ડનો ઉપયોગ નાગરિકો માટેની ફ્લાઇટો માટે કરાશે કે સૈન્ય માટે તે અંગે કોઇ સ્પષ્ટતા પાકિસ્તાન દ્વારા નથી કરવામાં આવી. જ્યારે અન્ય એક એરફીલ્ડ પંજાબના અમૃતસરથી માત્ર ૬૦ કિમી દૂર પાક.ના મુદરિકેમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનની આ બે હરકતોને કારણે સરહદ પર ચિંતાજનક માહોલ હોવાના અહેવાલો છે. કેમ કે આજે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે પાકિસ્તાન આ એરફીલ્ડનો ઉપયોગ ભારત વિરોધી હુમલા માટે કરી શકે છે. એવા દાવા પણ થઇ રહ્યા છે કે આ એરફીલ્ડનો ઉપયોગ પાકિસ્તાન સૈન્ય અને એરફોર્સની તાલિમ માટે કરવામાં આવી શકે છે. મોટી ચિંતાજનક વાત એ છે કે આ એરફીલ્ડનો ઉપયોગ હેલિકોપ્ટર, ડ્રોન અને અન્ય યુદ્ધ વિમાનો માટે કરવામાં આવશે. જેમાં ચીન અને તુર્કીથી મંગાવવામાં આવેલા હુમલા માટેના ડ્રોન્સનો પણ સમાવેશ કરાશે. જ્યારે અન્ય એક એરફીલ્ડ અમૃતસરથી ૬૦ કિમી દૂર પાક.માં આવેલા મુદરિકેમાં પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનો ઉપયોગ પણ ભારત વિરુદ્ધ હવાઇ હુમલા માટે થઇ શકે છે.
ચીનથી મંગાવવામાં આવેલી તોબ એસએચ-૧૫એસપીને પણ સરહદ પાસે તૈનાત કરવામાં આવી છે. ૨૫ ટનની આ તોપની લંબાઇ ૨૧ ફૂટની છે, જેને ચલાવવા માટે નવ લોકોની જરૃર પડે છે. જે ૨૦થી ૭૦ ડિગ્રીના એંગલ પર હુમલો કરી શકે છે. સાથે જ ૩૬૦ ડિગ્રી ફરી શકે છે. દર મિનિટ પર ચારથી છ બોમ્બ છોડી શકે છે. જેની રેંજ આશરે ૨૦ કિમીની માનવામાં આવે છે. જોકે રોકેટ અસિસ્ટેડ પ્રોજેક્ટાઇલ લગાવવામાં આવે તો તેની રેંજ ૫૩ કિમી સુધીની થઇ શકે છે. આ અહેવાલો વચ્ચે ૪૦૦ કિમીની રેંજ ધરાવતા ગાઇડેડ મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમ ફતેહ-૨નું પાકે. સફળ પરીક્ષણ કર્યું છે. અગાઉ ઓગસ્ટ ૨૦૨૧માં ફતેહ-૧નુ પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમથી ૪૦૦ કિમી દૂર કોઇ વિમાન, રોકેટ હોય તો તેને તોડી પાડવામાં સક્ષમ છે. પાકિસ્તાનનો આ અટકચાળો એવા સમયે સામે આવી રહ્યો છે જ્યારે પાકિસ્તાનમાં આગામી વર્ષે સંસદની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેમાં સત્તાધારી તેમજ વિરોધીઓ ભારત અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવતા આવ્યા છે.
જ્યારે જમ્મુ કાશ્મીરના સાંબા અને પૂંચમાં સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ મહિનામાં આ વિસ્તારમાં બે મોટા આતંકી હુમલા થઇ ચુક્યા છે. આ બન્ને હુમલામાં એક સરખી પેટર્નનો આતંકીઓએ ઉપયોગ કર્યો હતો. આ વર્ષે ૨૦મી એપ્રીલના રોજ આતંકીઓએ સૈન્યના ટ્રક પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થઇ ગયા હતા. જ્યારે બાદમાં ૨૧મી ડિસેમ્બરના રોજ પણ સૈન્યના વાહનોને ઘાત લગાવીને ટાર્ગેટ કરાયા હતા. જેમાં ચાર જવાન શહીદ થઇ ગયા હતા. બન્ને હુમલા સ્થળોની આસપાસ જંગલો છે, હુમલા માટે સ્થળોની પસંદગી બહુ જ સાવધાની પૂર્વક કરવામાં આવી હતી. વાહનોને વળાંક આવે ત્યારે ધીમા કરવામાં આવે છે તેથી એ જ પ્રકારની જગ્યા પસંદ કરવામાં આવી હતી. બન્ને હુમલામાં સ્ટીલ કોર દારુગોળાનો ઉપયોગ કરાયો હતો. હુમલા બાદ જવાનોના હથિયારો લૂટી લેવામાં આવ્યા હતા.