વિરાટ કોહલીની કેપટ્નશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લાં કેટલાક વર્ષોમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાની જીતની સરેરાશ 64.64ની રહી છે. જોકે, તેનાથી વિપરીત IPLમાં તેની કેપ્ટનશિપવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પરિસ્થિતિ ખરાબ જ રહી છે અને ઘણીવાર તેની કેપ્ટનશિપ સામે સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. કોહલીની કેપ્ટનશિપમાં RCB કુલ 110 મેચ રમી છે, જેમાંથી તેને 55 મેચોમાં હાર મળી છે. જ્યારે માત્ર 49 મેચોમાં જ જીત મેળવી શકી છે. જ્યારે કોહલી વર્ષ 2011થી જ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. દરમિયાન માત્ર ત્રણ એવા પ્રસંગો આવ્યા છે, જ્યારે ટીમ ટોપ ફાઈવમાં રહી છે.
એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન અને દિલ્હી ટીમમાં સાથી ખેલાડી રહેલા આકાશ ચોપડાએ જણાવ્યું કે, આખરે IPLમાં કોહલીની કેપ્ટનશિપમાં સૌથી મોટી ખામી શું છે અને શા માટે તેની ટીમ બાકી ટીમોની જેમ સારું પ્રદર્શન નથી કરી શકતી. આકાશ ચોપડાએ પોતાના યુટ્યૂબ વીડિયોમાં એક ફેન્સના સવાલનો જવાબ આપતા કહ્યું, નેશનલ ટીમમાં આટલો સફળ રહેનારો કોહલી IPLમાં કેપ્ટનશિપ દરમિયાન ઘણી બધી ભૂલો કરે છે. તેની સૌથી મોટી ભૂલ એ છે કે, તે એક યોગ્ય ટીમ પસંદ નથી કરી શકતો.
આકાશે કહ્યું કે, કોહલીની કેપ્ટનશિપવાળી RCBની ટીમમાં એક પણ એવો ફાસ્ટ બોલર નથી, જે ડેથ ઓવરમાં બોલિંગ કરી શકે. માત્ર એક યુજવેન્દ્ર ચહલ છે, જે ડેથ ઓવરમાં બોલિંગ કરી શકે છે. આ ઉપરાંત, ટીમનો મિડલ ઓર્ડર પણ ખૂબ જ નબળો છે. ટીમમાં એવો એક પણ ખેલાડી નથી, જે જલ્દી વિકેટ પડી જવા પર પાંચમાં કે છઠ્ઠા નંબર પર જઈને બેટિંગ કરી શકે.
આ ઉપરાંત, આકાશે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટની વચ્ચે વાતચીત અને સંબંધોને લઈને પોતાનો અભિપ્રાય આપ્યો અને જણાવ્યું કે, એક કારણ એ પણ છે કે, ટીમ આ લીગમાં સારું પ્રદર્શન નથી કરી શકતી. આકાશે કહ્યું, IPLમાં RCBના સફળ ન હોવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે, જ્યારે ઓક્શન અથવા તો પછી ટીમ પસંદ કરવામાં આવે છે તો કોહલી અને મેનેજમેન્ટને લઈને ચર્ચા નથી થતી. આ જ કારણ છે કે, ટીમને પસંદ કરતી વખતે નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં નથી આવતું.