બેંગલોર હિંસા : ઉપદ્રવીઓ પાસેથી નુકસાનની વસૂલી કરવામાં આવશે

– બેંગલોરમાં થયેલી હિંસા એક પ્રકારનું ષડયંત્ર છે, જેને પ્લાનિંગ સાથે કરવામાં આવી : પર્યટન મંત્રી

બેંગલોર, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર

કર્ણાટકની રાજધાની બેંગલોરમાં મંગળવાર રાતે થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલમાં 60  જેટલા પોલીસના જવાનો પમ સામેલ છે. માત્ર આટલું જ નહીં પણ ઉપદ્રવોએ આગજની વડે કરોડોની સંપતિને નુકસાન પહોંચાડ્યું છે.  ત્યારે હવે કર્ણાટક સરકાર ઉપદ્રવીઓ સામે એક્શન મોડમાં આવી છે. કર્ણાટક સરકાર અપરાધીઓની સંપતિ વેચીને નુકસાનની ભરપાઇ કરશે. બરાબર એ પ્રમાણે જે રીતે ઉત્તર પ્રદેશ સરકારે નાગરિકતા બિલના વિરોધમાં તોફાન કરનાર અપરાધો પાસેથી નુકસાનની વસૂલી કરી હતી. 

કર્ણાટકના ગૃહમંત્રી બીએસ બોમ્મઇએ આ વાતની જાણકારી આપી છે.  ગૃહમંત્રીએ જણાવ્યું કે હિંસામાં સંપતિને થયેલા નુકસાનની ભરપાઇ ઉપદ્રવીઓની સંપતિ વેચીને કરવામાં આવશે. વર્તમાન સમયે હિંસાના અપરાધીઓની ઓળખનું કામ ચાલી રહ્યું છે. બોમ્મઇએ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ યાદ કરતા જણાવ્યું કે કોર્ટના આદેશ પ્રમાણે હિંસામાં જે સાર્વજનિક સંપતિને નુકસાન થયું હોય તેની ભરપાઇ અપરાધીઓ પાસેથી કરવામાં આવશે.

તો બીજી તરફ કર્ણાટકનાના પર્યટન મંત્રી સીટી રવિનું કહેવું છે કે બેંગલોરમાં થયેલી હિંસા એક પ્રકારનું ષડયંત્ર છે, જેને પ્લાનિંગ સાથે કરવામાં આવી છે. 300 કરતા પમ વધારે ગાડીઓને આગ લગાવવામાં વી છે. અમારી પાસે કેટલાક શંકાસ્પદ લોકોની માહિતિ છે, પરંતુ તપાસ બાદ જ તે કન્ફર્મ થશે. અમે ઉત્તર પ્રદેશની માફક જ અપરાધીઓ પાસેથી નુકસાનની ભરપાઇ કરીશું. 

ઉલ્લેખનીય છે કે બેંગલોરમાં મંગળવાર રાત્રે જીડે હલ્લી વિસ્તારમાં હિંસા ભડકી હતી. ઉપદ્રવે કોંગ્રેસના ધારાસભ્યના ઘર પર હૂમલો કર્યો હતો ને બાદમાં નજીકની પોલીસ ચોકી ઉપર પણ હૂમલો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યના ભત્રીજાએ ફેસબૂક પર વિવાદિત પોસ્ટ કરતા આ હિંસા થઇ હોવાનું સામે આવ્યું છે.

Don`t copy text!