ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ખાલિસ્તાની આતંકી ગુરવરવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હોવાથી તેને અમેરિકાની અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તાને અમેરિકાની એક સંધીય અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તાએ અદાલતમાં બધા સામે કહ્યું કે, તે પન્નુની હત્યાના કાવતરામાં સામેલ ન હતો. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, આ કાવતરા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. તે નિર્દોષ છે. નિખિલ ગુપ્તાને તાજેતરમાં જ ચેક ગણરાજ્યથી અમેરિકા લાવવામાં આવ્યો હતો. નિખિલ ગુપ્તા પર આતંકવાદી પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
સધર્ન ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં મેજિસ્ટ્રેટ જજ જેમ્સ કોટે નિખિલ ગુપ્તાને ૨૮ જૂને સુનાવણી સુધી અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો હતો. નિખિલ ગુપ્તાના વકીલ જેફરી ચાબ્રોએ જામીન માટે અરજી કરી ન હતી. કોર્ટરૂમની બહાર, જેફરી ચાબ્રોએ કહ્યું કે, આ ભારત અને યુએસ માટે “જટિલ કેસ” છે અને નિર્ણય લેવામાં કોઈ ઉતાવળ ન હોવી જોઈએ. તેમણે મેજિસ્ટ્રેટને એમ પણ કહ્યું કે, નિખિલ ગુપ્તા શાકાહારી છે. તેથી, તેને જેલમાં શાકાહારી ખોરાક આપવો જોઈએ.
વાસ્તવમાં, ફરિયાદ પક્ષે નિખિલ ગુપ્તા પર ખાલિસ્તાની નેતાની હત્યા માટે એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. નિખિલ ગુપ્તા પર ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ, ખાલિસ્તાન માટે અભિયાન ચલાવનાર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ચેક રિપબ્લિકમાંથી પ્રત્યાર્પણ બાદ ગુપ્તાને બ્રુકલિનની જેલમાં રાખવામાં આવ્યો છે. ૫૨ વર્ષીય ગુપ્તાની ગયા વર્ષે ૩૦ જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અમેરિકાએ તેના પ્રત્યાર્પણની માંગ કરી હતી.
ચેકની બંધારણીય અદાલતે મે મહિનામાં નિખિલ ગુપ્તાના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી. તેણે અમેરિકન કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કર્યા છે. ન્યૂયોર્કમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ થવા બદલ યુએસ સરકારની વિનંતી પર ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ગુરપતવંત પન્નુ અમેરિકન અને કેનેડા બંને દેશોની નાગરિક્તા ધરાવે છે. ચેક બંધારણીય અદાલતમાં તેમના પ્રત્યાર્પણ સામેની અપીલને કારણે આ વર્ષની શરૂઆતમાં તેમના પ્રત્યાર્પણને રોકી દેવામાં આવ્યું હતું. ગયા મહિને જ્યારે તેની અપીલ ફગાવી દેવામાં આવી ત્યારે નિખિલને અમેરિકા મોકલવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. ગુપ્તાના વકીલે જાન્યુઆરીમાં ન્યૂયોર્કની કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે અને કહ્યુ હતુ કે, નિખિલ પ્રાગમાં કસ્ટડીમાં હોવાથી તેને મૂળભૂત માનવ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. વકીલે જાન્યુઆરીમાં કોર્ટને વિનંતી કરી હતી કે પ્રોસિક્યુશન કેસ વિશે વધુ માહિતી બચાવ પક્ષને આપવાનો આદેશ આપે જેથી તે ગુપ્તાનો બચાવ કરી શકાય.