ધાનપુર પોલીસે કંજેટા રોડ ઉ5ર કારમાં લઈ જવાતો 67 હજારનો બીયરનો જથ્થો ઝડપ્યો

દાહોદ,
ધાનપુર પોલીસે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ગોઠવેલ નાકાબંધી દરમ્યાન કંજેટા ગામે રોડ પરથી રૂા. 67 હજાર ઉપરાંતની કિંમતના બીયરના જથ્થા સાથે એકસ યુવી કાર ઝડપી પાડી રૂા. 3 લાખની કિંમતની કાર તથા એક મોબાઈલ ફોન મળી રૂા. 3,73,200ના મુદ્દામાલ સાથે કારના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના સીમલા ધસી ગામનો મહેન્દ્રભાઈ બળવંતભાઈ રાઠવા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના જોલીયા ગામના પટેલ ફળિયાના મુલચંદભાઈ ઉર્ફે મુરચંદભાઈ નાનસીંગભાઈ ડામોરના ઠેકા પરથી પોતાના કબજાની જીજે09 બીબી-3519 નંબરની એક્સયુવી ગાડીમાં બીયર તથા દારૂનો જથ્થો ભરીને પોતાના ગામ તરફ આવતો હોવાની ધાનપુર પી.એસ.આઈ બરંડાને બાતમી મળતા તે બાતમીના આધારે પીએસઆઈ બરંડા તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમ કંજેટા ગામે નાકાબંધી કરી પોતાના શિકારની રાહ જોતી ઉભી હતી. તે દરમ્યાન બાતમીના દર્શાવેલ નંબરવાળી એક્સયુવી ગાડી દુરથી આવતી નજરે પડતાં નાકાબંધીમાં ઉભેલ ધાનપુર પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાં જ ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા. 67,200ની કુલ કિંમતની 672 બીયરટીન ભરેલ પેટી નંગ-28 પકડી પાડી તેના ચાલક મહેન્દ્રભાઈ બળવંતભાઈ રાઠવાની અટક કરી તેની પાસેથી રૂા. 6 હજારની કિંમતનો મોબાઈલ ફોન, તથા રૂા. 3 લાખની કિંમતની એક્સયુવી ગાડી મળી રૂા. 3,73,200નો મુદ્દામાલ કબજે લઈ ધાનપુર પોલીસે સીમલાધસી ગામના મહેન્દ્રભાઈ બળવંતભાઈ રાઠવા તથા મધ્યપ્રદેશના જોલીયા ગામના મુલચંદ ઉર્ફે મુરચંદભાઈ નાનસીંગભાઈ ડામોર વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.