ગયા સપ્તાહના લેખનું સમાપન કરતા મેં લખ્યું હતું કે મહાત્મા ફુલેએ જ્યારે ભારતીય રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પણ પૃથકતાવાદી છે એમ કહીને તેને નકારવા માંડયો અને બ્રાહ્મણો કપટી છે અને તેમનો ઈજારાશાહી એજન્ડા છે એમ કહેતાં ભાષણો કરવા માંડયાં અને પુસ્તકો પણ લખ્યાં, તેઓ અંગ્રેજોની ખુલ્લી તરફ્દારી કરવા લાગ્યા ત્યારે; દયાનંદ સરસ્વતી, બંકિમચંદ્ર ચેટરજી, સ્વામી વિવેકાનંદ, મહાદેવ ગોવિંદ રાનડે, દેવેન્દ્રનાથ ઠાકુર વગેરે થોડા આગળપાછળના સમયમાં હયાત હતા, પરંતુ તેમણે કોઈએ હાંસિયાની પ્રજાના અવાજને નહોતો સાંભળ્યો. જ્યારે હજુ તો આકાર પામી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈ નકારતું હોય ત્યારે કોઈ કહેતાં કોઈને એમ નહોતું થયું કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ.
આમ તો રાષ્ટ્રવાદનો જન્મ પશ્ચિમમાં થયો હતો અને તેની પાછળનો ઉદ્દેશ આક્રમક લૂંટનો હતો એ આગળ આ શ્રેણીમાં કહેવાઈ ગયું છે. ‘આપણે અને આપણા હિતમાં’એ રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે. દેખીતી રીતે ‘આપણે’ની શોધ શરૂ થઈ અને ‘આપણે’નું મહિમામંડન કરવામાં આવ્યું. ઇતિહાસમાં ક્યારેય ભાળ્યા નહોતા એવા ગુણોનું આરોપણ થવા લાગ્યું અને ‘આપણા હિતમાં’નો દેખીતો અર્થ છે; માત્ર આપણા જ હિતમાં બીજાના હિતમાં નહીં અને એમાં કોઈનું અહિત થતું હોય તો પણ વાંધો નહીં. આમ, આ આપણે અને આપણા હિતમાંના વિચારે અને વલણે યુરોપને એટલું આક્રમક બનાવ્યું કે તેમણે લગભગ આખી દુનિયા કબજે કરી લીધી. વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધ થયાં એ પણ આ આપણે અને આપણા હિતમાંવાળા રાષ્ટ્રવાદનું જ પરિણામ હતું.
૧૯મી સદીમાં જ્યારે ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ લાગુ કરવામાં આવ્યું અને પહેલી-બીજી શિક્ષિત પેઢી અસ્તિત્વમાં આવવા લાગી ત્યારે પશ્ચિમને જોઇને તેઓ પણ ‘આપણે’ની શોધ કરવા લાગ્યા. એ ‘આપણે’ની શોધ કરનારા મુખ્યત્વે બ્રાહ્મણો, નાગરો, કાયસ્થો જેવા સવર્ણો હતા અને તેમને વિચાર સુધ્ધાં આવ્યો નહોતો કે ‘આપણે’નો વિસ્તાર કરવો જોઈએ. નહેરુ અને દિનકર ભૂલી જાય તો ૧૯મી સદીના સુધારકોની ક્યાં વાત કરવી! તેમનો ‘આપણે’ એટલે બ્રાહ્મણો, કાયસ્થો, નાગરો. વળી આગળ કહ્યું એમ આપણે સાથે આવતું હતું ‘આપણા હિત’માં. આમ, ૧૯મી સદીનું સુધારાનું આંદોલન સવર્ણો દ્વારા, સવર્ણોના હિતમાં, સવર્ણ-કેન્દ્રિત હતું. ઠીકઠીક પ્રમાણમાં જાણીબૂજીને અને ઠીકઠીક પ્રમાણમાં અનાવધાને, જેમ નહેરુ અને દિનકરની બાબતમાં બન્યું હતું એમ.
તો રાષ્ટ્રવાદનો પાયાનો મંત્ર છે ‘આપણે અને આપણા હિત’માં. ભારતમાં પણ ‘આપણે અને આપણા હિત’માંની જદ્દોજહદ શરૂ થઈ અને એ રીતે ભારતીય રાષ્ટ્રવાદનો જન્મ થયો. ‘આપણે અને આપણા હિત’માં એ જ ‘રાષ્ટ્રના હિત’માં એવું સમીકરણ એટલે રાષ્ટ્રવાદ. આનો અર્થ એ થયો કે ‘આપણે’ અને ‘રાષ્ટ્ર’ને એકબીજાના પર્યાય તરીકે જોવામાં આવ્યા. આપણા હિતમાં રાષ્ટ્રનું હિત આવી જ જાય છે અને રાષ્ટ્રના હિતમાં જે કાંઈ હોય એ આપણા હિતથી વિરુદ્ધ ન જ હોય.
૧૯મી સદીમાં રાષ્ટ્રવાદની આવી મમળાવવી ગમે એવી મનમોહક વિચારધારા વિકસવા લાગી. સ્વરાજ સુધીનાં સપનાં લોકો જોવા લાગ્યા. યુરોપની બરાબરી કરવાનાં સપનાં જોવાવા લાગ્યાં. આર્યસમાજીઓ અને બીજા રિવાઇવલીસ્ટો ભારત વિશ્વગુરુ બનવા નિર્માયેલું છે એવાં સપનાં જોવા લાગ્યા. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ આૃર્ય એ વાતનું છે કે તેમને જ્યારે પડકારવામાં આવ્યા ત્યારે તેમણે એ પડકારને નહોતો સાંભળ્યો. પડકારનારાઓ શા માટે પડકારે છે, તેમને શું કહેવાનું છે, તેમને કઈ વાતનો વાંધો છે અને તેઓ શું કહેવા માગે છે એ જાણવા-સમજવાની પણ દરકાર નહોતી કરી.
હજુ તો આકાર પામી રહેલા, ઉછરી રહેલા, લગભગ પાપા-પગલી ભરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને કોઈક પડકારી રહ્યું છે તો શા માટે એ જાણવાની કોઈને જરૂર નહોતી લાગી. તમારો રાષ્ટ્રવાદ સર્વસમાવેશક નથી, પૃથકતાવાદી છે એવો સીધો આરોપ કરવામાં આવ્યો હોવા છતાં આરોપ કરનારાઓ સાથે સંવાદ કરવામાં નહોતો આવ્યો. હજુ તો રાષ્ટ્રવાદનો છોડ ઉજર્યો પણ નથી ત્યાં તેની સામે પડકાર શરૂ થયા છે તો બગીચો કેવી રીતે વિકસશે એવો વિચાર પણ કોઈને નહોતો આવ્યો.
રાજા રામમોહન રોય પછીથી ધીરેધીરે ઉછરી રહેલા ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓ હતા; દેવેન્દ્રનાથ ટાગોર (જન્મ ૧૮૧૭- મૃત્યુ ૧૯૦૫), ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧), દયાનંદ સરસ્વતી (૧૮૨૪- ૧૮૮૩), કેશબચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪), બંકિમચંદ્ર ચેટરજી (૧૮૩૮-૧૮૯૪), મહાદેવ ગોવિંદ રાનડે (૧૮૪૨-૧૯૦૧), ગોપાલ ગણેશ આગરકર (૧૮૫૬-૧૮૯૫), લોકમાન્ય તિલક (૧૮૫૬-૧૯૨૦), સ્વામી વિવેકાનંદ (૧૮૬૩-૧૯૦૨) વગેરે. આ બધા મહાનુભાવોના જન્મનાં વર્ષ પર નજર કરશો તો ધ્યાનમાં આવશે કે તેઓ ૧૮૧૭થી ૧૮૬૩ની વચ્ચેનાં વર્ષોમાં જન્મ્યા હતા. તેઓ બધા પોતપોતાની રીતે પોતપોતાના અભિગમ સાથે ભારતીય રાષ્ટ્રવાદને આકાર આપી રહ્યા હતા. તેમની વચ્ચે મતભેદો હતા જે અહીં કહેવામાં આવ્યું છે એમ મૂળશંકર-મૂળશંકર વચ્ચેના અને મૂળશંકર-જટાશંકર વચ્ચેના મતભેદો હતા. એકંદરે તેમનો ભારતીય રાષ્ટ્રવાદ સવર્ણકેન્દ્રી હતો.
હવે એક નજર વિકસી રહેલા ભારતીય રાષ્ટ્રવાદને તે ખરા અર્થમાં ભારતીય નથી, સર્વસમાવેશક નથી એમ કહીને પડકારનારાઓ ઉપર કરીએ. એમાં બે વ્યક્તિ મુખ્ય હતી. એક હતા સર સૈયદ અહમદ ખાન અને બીજા હતા મહારાષ્ટ્રના જ્યોતિબા ફુલે. સર સૈયદનો જન્મ ૧૮૧૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૮માં થયું હતું. જ્યોતિબા ફુલેનો જન્મ ૧૮૨૭માં થયો હતો અને મૃત્યુ ૧૮૯૦માં થયું હતું. આનો અર્થ એ થયો કે બંનેનો જન્મ ભારતમાં અંગ્રેજી શિક્ષણ લાગુ કરવામાં આવ્યું એ પહેલાં થયો હતો અને બંને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ૧૮૮૫માં સ્થાપના કરવામાં આવી એ પછી અવસાન પામ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો બંનેનો જન્મ ભારતીય રાષ્ટ્રવાદનું બીજ પણ નહોતું ફૂટયું એ પહેલાં થયો હતો અને બંનેનું મૃત્યુ ભારતીય રાષ્ટ્રવાદ કોંગ્રેસના નામે રાજકીય સ્વરૂપ પામ્યો એ પછી થયું હતું. ઉપર કહ્યા એ ભારતીય રાષ્ટ્રવાદના બધા જ શિલ્પીઓ સર સૈયદ અને ફુલેના ઓછાવત્તા પ્રમાણમાં આગળપાછળના સમકાલીન હતા.
હું મુદ્દો એ સિદ્ધ કરવા માગું છું કે ભારતીય રાષ્ટ્રવાદનું હજુ તો માંડ ખેડાણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ તેમાંની ઉણપો બતાવી આપવામાં આવી હતી. એવું નહોતું કે વૃક્ષ બહુ મોટું થઈ ગયું હતું અને એ બધાને છાંયો કે ફ્ળ નથી આપતું એવી ફ્રિયાદ કરવામાં આવી હોય. પ્રારંભમાં જ. શ્રીગણેશ સાથે જ. એવો કયો ભરોસો હતો કે ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પીઓએ તેમાં ઉણપ બતાવનારાઓની ઉપેક્ષા કરી હતી? મહાત્મા ફુલે દયાનંદ સરસ્વતી કરતાં ઉંમરમાં ત્રણ વરસ નાના હોવા છતાં જાહેરજીવનમાં તેમના કરતાં વહેલા પ્રવેશ્યા હતા. ભારતીય રાષ્ટ્રવાદના શિલ્પકાર તરીકે ઉપર જે નામ ગણાવ્યાં છે એમાંથી દેવેન્દ્રનાથ ટાગોર અને ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરને છોડીને બાકીના તેમના પછી જાહેરજીવનમાં સક્રિય થયા હતા. આમ પડકારનારો સિનિયર પણ હતો અને છતાંય જુનિયરોએ તેની ઉપેક્ષા કરી હતી.
ખરું પૂછો તો સર સૈયદ અહમદ ખાનની અને મહાત્મા જ્યોતિબા ફુલેની તુલના થઈ શકે નહીં. મહાત્મા ફુલે સર સૈયદ કરતાં દસ વરસ નાના હોવા છતાં અને આઠ વરસ વહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેમની દૃષ્ટિ ક્યાંય વિશાળ હતી. સર સૈયદની ભૂમિકા મુસલમાનોના વકીલ તરીકેની એક મુસલમાનની હતી. તેઓ માત્ર મુસલમાનોના હિત-અહિતનો જ વિચાર કરતા હતા. સર સૈયદ ૧૮૫૭ના વિદ્રોહની નિષ્ફ્ળતા પછી અંગ્રેજોએ મુસલમાનોને પાઠ ભણાવવાનું શરૂ કર્યું
ત્યારે સર સૈયદ મુસલમાનોનો કેસ રજૂ કરવા સક્રિય થયા હતા. તેમના વિચારોમાં કોમી દૃષ્ટિકોણ હતો, અખંડતા નહોતી. પાકિસ્તાનનાં બીજ સર સૈયદની ભૂમિકામાંથી મળે છે. તેમનાથી ઊલટું મહાત્મા ફુલેની ભૂમિકા માનવીય હતી. તેઓ બહુજન સમાજના વકીલ હતા, બહુ આકરા વકીલ હતા, સવર્ણો પર આકરા પ્રહારો કર્યા હતા, સર સૈયદની માફ્ક અંગ્રેજરાજની તરફ્દારી કરી હતી; પરંતુ તેની પાછળની તેમની ભૂમિકા માનવીય હતી. ન્યાયની હતી. નાગરિકની હતી.
સૈયદ અહમદ ખાનને અંગ્રેજોએ સરની ઉપાધિ આપી હતી, પરંતુ સર સૈયદની માફ્ક જ અંગ્રેજરાજના સમર્થક હોવા છતાં મહાત્મા ફુલેને નહોતી આપી. ગોપાલ ગણેશ આગરકરે તેમને રેવરન્ડ ફુલે તરીકે ઓળખાવ્યા હોવા છતાં પણ નહીં. શા માટે? કારણ કે તેમની દૃષ્ટિમાં હિંદુ સુધારકોને, સર સૈયદને અને અંગ્રેજોને પણ ન પરવડે એવી વ્યાપકતા હતી. મહાત્મા ફુલે કહી ગયા છે :
૧. આપણી રાજકીય અને સામાજિક અવનતિનાં મૂળ અવનતિ પામેલા આપણા ધર્મમાં રહ્યાં છે. માટે ધર્મસુધારણા અનિવાર્ય છે.
૨. એક ધર્મ છોડીને બીજા ધર્મમાં પ્રવેશ કરવાથી કાંઈ વળવાનું નથી, કારણ કે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે અને કોઈ ધર્મ નિર્દોષ નથી. સત્ય-શોધન કરવા માગતા માણસે દરેક ધર્મમાં જે શ્રેષ્ઠ હોય એ અપનાવવું જોઈએ.
૩. જ્યાં સુધી જાતિભેદ અને સ્ત્રીઓની પરવશતા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સમાજ નિરોગી થવાનો નથી, પરંતુ આ બંને કુરૂઢિને ધર્મનું અનુમોદન હોવાથી ધર્મ-વચનોનો પ્રતિકાર કરવો જરૂરી છે.
૪. ધર્મ ગમે તે હોય, ઈશ્વર એક જ છે.
૫. મૂર્તિપૂજા નિરર્થક છે.
હવે વિચારો, આટલી વ્યાપક ભૂમિકાએ રહીને ૧૯મી સદીમાં કોણે વાત કરી હતી? સ્ત્રીઓ માટે પહેલી સાર્વજનિક શાળા મહાત્મા ફુલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફુલેએ શરૂ કરી હતી જેમાં બ્રાહ્મણની સ્ત્રીને પણ પ્રવેશ આપવામાં આવતો. બ્રાહ્મણોએ બ્રાહ્મણની સ્ત્રીને ભણવા મળે એવી શાળા તો દાયકાઓ પછી શરૂ કરી હતી.
આવો વ્યાપક વિચાર કરનારો માણસ જ્યારે એમ કહેતો હોય કે તમારો રાષ્ટ્રવાદ કેટલાક લોકોને બહાર રાખનારો અધૂરો છે અને એ માણસ પાછો ઉંમરમાં સિનિયર હોય, કૃતિશીલ અને પ્રતિષ્ઠિત હોય અને તે છતાં પણ તેમના જુનિયર સુધારકો તેમના પડકાર તરફ ધ્યાન ન આપે તો એ કયા ભરોસે?
દૂધનું દૂધ, પાણીનું પાણી : રમેશ ઓઝા