દાહોદ નકલી NA પ્રકરણ : પોલીસે વધુ 06 આરોપીઓની ધરપકડ કરી, તપાસનો ધમધમાટ તેજ કર્યો, ભુમાફિયાઓમાં ફફડાટ

બહુચર્ચિત એવા દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં એકપછી એક મોટા ખુલાસાઓ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ આ ગુનામાં વધુ 06 આરોપીઓને પોલીસે પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જેથી લે ભાગુ ભુમાફિયાઓમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ ગયો છે.

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ સહિત આ ગુનામાં સંડોવાયેલા બે સરકારી કર્મચારીઓ મળી 80થી વધુ લોકો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડનો દૌર આરંભ આરંભ કર્યો હતો. થોડા દિવસો પહેલા બદલી પામેલ દાહોદના પ્રાંત અધિકારી દ્વારા તેમજ એક સરકારી કર્મચારી દ્વારા દાહોદ એ ડિવીઝન અને દાહોદ બી ડિવીઝન પોલીસ મથકોએ નકલી બિન ખેતી પ્રકરણમાં અલગ અલગ ફરિયાદો નોંધાંવતાં ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ ફરિયાદમાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી કેટલાંક આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. તેની સાથે સાથે સીટી સર્વે કચેરીમાં ફરજ બજાવતાં બે કર્મચારીઓની પણ આ મામલે સંડોવણી બહાર આવતાં તેઓના પણ અટકાયતી પગલાં લઈ જેલ ભેગા કરવામાં આવ્યાં હતાં. આ પ્રકરણમાં વધુ 06 આરોપીઓને દાહોદના ડિવાયએસપી તથા તેમની ટીમે ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યાં છે. આરોપીઓમાં સામદ સાકીબ અબ્દુલ રહીમ, જાડા ઈદરીશ, દિપક પંચોલી, ગનીભાઈ મન્સુરી, પીંકેશ અગ્રવાલ અને શબ્બીરભાઈ ઝરણાવાલાની પોલીસે અટકાયત કરી હતી.

આરોપીયોના નામ ની યાદી

  • સામદ સાકીબ અબ્દુલ રહીમ,
  • જાડા ઈદરીશ,
  • દિપક પંચોલી,
  • ગનીભાઈ મન્સુરી,
  • પીંકેશ અગ્રવાલ
  • શબ્બીરભાઈ ઝરણાવાલાની

દાહોદ ડિવાયએસપી જે.પી. ભંડારીના જણાવ્યાં અનુસાર, તાજેતરમાં ટીડીઓ કચેરી દ્વારા અલગ અલગ સર્વે નંબરો સંદર્ભે ફરિયાદો દાખલ થઈ હતી. જે અનુસંધાને તપાસ કરતાં અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરતાં આ પ્રક્રિયા દરમ્યાન જે લેન્ડના ઓનર છે અથવા જેને દલાલ મારફતે કામ કરાવ્યું છે કે અન્ય ઈસમોની આ પ્રકરણમાં સંડોવણી છે તેવા ઉપરોક્ત 06 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. ઉપરોક્ત ઝડપાયેલ ઈસમોએ એનએ કરવાની પ્રોસીજરનો ભંગ કરીને સરકારને ભરવાપાત્ર પ્રિમીયમની રકમ નહીં ભરી સરકાર સાથે છેતરપીંડી કરતાં અને આ મામલે પુરાવા મળતાં ઉપરોક્ત 06 ઈસમોની અટકાયત કરી તેઓની વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.