તાલિબાનોને રોકવા માટે અફઘાનિસ્તાન સરકાર પોતાની એરફોર્સનો મહત્તમ ઉપયોગ કરવા માંગી રહી છે પણ એરફોર્સના લડાકુ વિમાનોની ખખડધજ હાલત તેમજ એરફોર્સના પાયલોટ્સને તાલિબાની આતંકીઓ નિશાન બનાવી રહ્યા હોવાથી પાયલોટો નોકરી છોડી રહ્યા છે.દરમિયાન તાલિબાને એક જ સપ્તાહમાં અફઘાનિસ્તાનના છઠ્ઠા શહેર પર કબ્જો કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સમાંગન નામના પ્રાંતની રાજધાની એબક પર આતંકીઓએ કબ્જો કર્યો છે અને તમામ સરકારી ઈમારતો તેમજ પોલીસ ચોકીઓ તેમના હાથમાં આવી ગઈ છે. તાલિબાને પણ આ શહેર સંપૂર્ણ રીતે પોતાના નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો છે. અફઘાનિસ્તાનના કંદહાર અને હેરાતમાં હજી પણ લડાઈ ચાલી રહી છે.
તાલિબાન સામે લડી રહેલા અફઘાન સેનાના જવાનોને એર કવર મળી રહ્યુ નથી
જોકે તેની વચ્ચે એરફોર્સના પાયલોટ્સ નોકરી છોડી રહ્યા છે. જેના કારણે તાલિબાન સામે લડી રહેલા અફઘાન સેનાના જવાનોને એર કવર મળી રહ્યુ નથી. જ્યારે વાયુસેનાનો રોલ આ લડાઈ જીતવા માટે બહુ મહત્વનો છે. તાજેતરમાં જ આઠ અફઘાન પાયલોટ્સની હત્યા કરવામાં આવી છે અને તેમાં બ્લેક હોક પાયલોટ હમીદુલ્લાહ અજીમી પણ સામેલ છે. જેમને શનિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પાસે ટાર્ગેટ કરાયા હતા. તેમની કારમાં બોમ્બ મુકીને તેમની હત્યા કરાઈ હતી.
બ્લેક હોક પાયલોટ હમીદુલ્લાહ અજીમી પણ સામેલ
એક પાયલોટે એક અખબારના ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, હું એવા 19 પાયલોટસને જાણુ છું કે જેમણે વાયુસેના છોડી છે. કારણકે સરકાર સુરક્ષાની ગેરંટી આપી શકતી નથી. હું દસ વર્ષથી ડ્યુટી કરી રહ્યો છું. મારી સુરક્ષા માટે રોજ હું કાર બદલુ છું. ઘરની બહાર સમય વીતાવી શકતો નથી અને હવે હું પણ મારી નોકરી છોડવ માટે વિચારી રહ્યો છું. સરકાર જો મારા પરિવારની સુરક્ષાની ગેરંટી આપે તો હું નોકરી ચાલુ રાખવા માટે વિચારીશ.
વાયુસેના માટે હવે લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરોના મેન્ટેનન્સની સમસ્યા
બીજી તરફ અફઘાન વાયુસેના માટે હવે લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરોના મેન્ટેનન્સની સમસ્યા ઉભી થઈ છે. કારણકે અમેરિકા અને નાટો દેશોના સૈનિકો અચાનક જ પાછા ગયા છે અને તેમની સાથે જાણકાર મેન્ટેનન્સ ટીમો પણ જતી રહી છે. હાલમાં અફઘાન વાયુસેનાના 33 ટકા વિમાનો ક્ષતિગ્રસ્ત છે. સ્પેર પાર્ટસની પણ અછત છે અને તેના કારણે પાયલોટોનુ મનોબળ પણ ઓછુ થઈ રહ્યુ છે. રાજધાની કાબુલમાં પણ પાયલોટો પોતાને અસુરક્ષિત માની રહ્યા છે.