એ શર્મા…આંગળી નીચી રાખીને વાત કરો:ચૈતર વસાવાએ રાજપીપળામાં એસપી ઓફિસ બહાર DySPને ધમકાવ્યા

ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદાના રાજપીપળામાં એસપી ઓફિસ બહાર DySPને ધમકાવ્યાનો વીડિયો વાઇરલ થયો છે. ચૈતર વસાવા નર્મદા જિલ્લા પોલીસ કચેરી ખાતે સમર્થકો સાથે પહોંચ્યા હતા. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે બૂટલેગરોને પકડો, નાના માણસો પાસે શું દંડ વસૂલો છો? ચૈતર વસાવાના સમર્થકોને પોલીસે રસ્તામાં રોકતાં હોબાળો મચી ગયો હતો અને ચૈતર વસાવાએ DySP સાથે ધમકીની ભાષામાં ઉગ્રતાથી વાત કરી હતી.

પોલીસે રોકતાં ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા અને પોલીસ સાથે જાહેરમાં બોલાચાલી થઈ હતી. રાજપીપળા એસપી ઓફિસ પહોંચતાં પહેલાં ચૈતર વસાવાને પોલીસે રોક્યા હતા. ચૈતર વસાવાએ કહ્યું હતું કે પોતે ધારાસભ્ય છે, માટે પોલીસ તેમને રોકી શકે નહીં. સામે DySP સંજય શર્માએ પણ કહ્યું હતું કે ધારાસભ્ય હો તો તમને કાયદો ખબર હોવી જોઈએ કે આવી રીતે ટોળું લઈને ન અવાય. ચૈતર વસાવાએ કેવડિયાના DySP સંજય શર્માને સ્થળ પર કહ્યું હતું, “આંગળી નીચી રાખીને વાત કરો, હું ધારાસભ્ય છું, અમને સવાર સવારમાં તમારું મોઢું જોવાનો કોઈ શોખ નથી.” ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે બોલાચાલી બાદ માહોલ ગરમાયો હતો.

પોલીસવડા સાથે આપ ધારાસભ્યે જણાવ્યું હતું કે પોલીસ દારૂવાળાને છાવરે છે, રેતી ખનન, માટીચોરી કરનારા ભૂમાફિયાઓ, જુગારવાળાને છાવરે છે. તો આ ગરીબ પ્રજાને શું કામ હેરાન કરે છે? કોઈ પરીક્ષા આપવા જતા હોય, કોઈ દવાખાને જતા હોય, કોઈ મજૂરી કરવા જતા હોય, કોઈ માતાજીને મંદિર જતા હોય તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરે છે. જોષી ઉમરવા ગામે ગામલોકોએ ખનીજચોરી કરતા 2 જેટલા હાઈવા, જેસીબી પકડ્યા હતા, પણ આ પકડાયેલાં વાહનોને જપ્ત કરવાની જગ્યાએ રાતોરાત બારોબાર છોડી મૂકવામાં આવ્યાં હતાં. આ બધું ચલાવી લેવામાં આવે છે ને ગરીબ પ્રજાને હેરાન કરવામાં આવે છે.

પોલીસની બે કેટગરી – એક સરકારી કર્મચારી, બીજા ભાજપના ચમચા : ચૈતર વસાવા ચૈતર વસાવાએ કહ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે, બીજા, જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપો કરતાં કહ્યું હતું કે પોલીસ હપતા ખાઈને બૂટલેગરોને છોડી દે છે. પોલીસ દારૂના પૈસા લે છે અને ભાવ નક્કી કરેલા છે