ઉત્તરાખંડના અલ્મોડા પાસે સ્થિત ભગવાન શિવજીનું ધામ જાગેશ્વર ધામ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. આ સ્થાન 12 જ્યોર્તિલિંગમાં એક છે. ઉત્તરાખંડના આ સ્થાન ભગવાન શિવ અને સપ્તર્ષિનું પવિત્ર સ્થળ છે. જાગેશ્વર ધામ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે જ્યાંથી શિવલિંગની પૂજા શરૂ થઈ હતી. આ શિવલિંગને સ્વયંભુ માનવામાં આવે છે. અહીં સપ્ત ઋષિઓએ શિવલિંગની સ્થાપના કરી પૂજા કરી હતી.
જાગેશ્વર ધામમાં આશરે 250 મંદિરો છે, જેમાંથી 224 નાના-મોટા મંદિરો એક જગ્યાએ સ્થિત છે. બધાં મંદિરો એકબીજાની ટોચ પર મોટા પથ્થરો મૂકીને બનાવવામાં આવ્યા છે. મુખ્ય મંદિરમાં એક વિશાળ શિવલિંગ સ્થાપિત છે. તેની દિવાલો પર મહામૃત્યુંજય મંત્ર લખાયેલ છે. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં જાગેશ્વર મંદિરમાં માંગવામાં આવેલ માનતાને તે જ સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી હતી માનતા ફળતા જેનો ભારે દુરૂપયોગ થવાનું શરૂ થયું.
આદિ શંકરાચાર્ય આઠમી સદીમાં અહીં આવ્યા હતા અને તેમણે આ દુરૂપયોગ બંધ કરવાની વ્યવસ્થા કરી હતી. હવે, ફક્ત યજ્ઞ અને ધાર્મિક વિધિઓ જ કરી મનોકામના પૂર્ણ કરી શકાય છે.
એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના પુત્ર લવ-કુશે અહીં યજ્ઞ કર્યો હતો, જેના માટે તેમણે દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. મંદિર સંકુલમાં એક દેવદારનું ઝાડ છે જે નીચેથી એક જ છે પરંતુ ઉપર જાય છે અને બે ભાગમાં વિભાજીત થાય છે. આ વૃક્ષને દેવી પાર્વતી અને ભગવાન શિવનું બેવડું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ભોલેનાથ અહીં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.