વોશિગ્ટન,
ઉત્તર અમેરિકાના ઉટાહ રાજ્યમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે અમેરિકાને હચમચાવી નાંખ્યું છે. અમેરિકામાં છાસવારે અંધાધૂંધ ગોળીબારની ઘટના બનતી રહે છે પણ આવા બનાવો રોકવા કોઈ પગલાં લેવાતાં નથી ત્યારે ઉટાહ રાજ્યના ઈનોક શહેરમાં એક શખસે ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ૮ લોકોનાં મૃત્યુ થયાં હતા. ૮માંથી ૫ બાળકો છે. ગોળીબાર કરનાર હુમલાખોર ભાગી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. આ ઘટનાના કારણે અમેરિકામાં ભયનો માહોલ પ્રસર્યો છે.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બુધવારે બની હતી. તમામ મૃતકોના શરીર પર ગોળીઓના નિશાન હતા. પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને ટીમ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. હજુ સુધી પોલીસને હુમલાખોર વિશે કોઈ પગેરું નથી મળ્યું.
સોલ્ટ લેક સિટીની પશ્ર્ચિમે આવેલા ઇનોક શહેરમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ સમયાંતરે દરેક ઘરની નિયમિત તપાસ કરી રહ્યા છે. તપાસ દરમિયાન એક ઘરમાંથી ૮ મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે કહ્યું કે જનતા માટે કોઈ ખતરો નથી.
આયર્ન કાઉન્ટી સ્કૂલ ડિસ્ટ્રિક્ટના અધિકારીઓએ વાલીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તમામ પાંચ બાળકો જિલ્લાની શાળાઓમાં ભણે છે. ઇનોક સિટીના મેનેજર રોબ ડોટસને જણાવ્યું હતું કે આઠ મૃતદેહોના સમાચારથી બધા ચોંકી ગયા હતા. ઉટાહમાં દરેક વ્યક્તિ આ પરિવારને સારી રીતે જાણતો હતો. તેમણે કહ્યું કે અમારામાંથી ઘણાએ તેમની સાથે ચર્ચમાં, સમુદાયમાં સેવા આપી છે અને આ વ્યક્તિઓ સાથે શાળાએ ગયા છીએ. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું તારણ છે છતાં અમે તપાસ કરી રહ્યા છીએ.
આ પહેલાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં થયેલાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૮ વર્ષનાં બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ગોળીબાર બાદ ત્રણ શંકાસ્પદ, એક જીેંફ ડ્રાઈવર અને અન્ય બે લોકોની શોધ કરવામાં આવી રહી છે. મેટ્રોપોલિટન પોલીસ ચીફ રોબર્ટ કોન્ટીએ કહ્યું, “આ ગોળીબાર શા માટે કરવામાં આવી તે અંગે મારી પાસે કોઈ માહિતી નથી.” તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
અમેરિકામાં ગનકલ્ચરનો ઈતિહાસ લગભગ ૨૩૦ વર્ષ જૂનો છે. ૧૭૯૧માં બંધારણના બીજા સંશોધન અંતર્ગત અમેરિકા નાગરિકોને હથિયાર રાખવા અને ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો. અમેરિકામાં આ કલ્ચરની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ત્યાં અંગ્રેજોનું શાસન હતું. એ સમયે ત્યાં સ્થાયી સિક્યોરિટી ફોર્સ ન હોવાથી લોકોને પોતાની અને પરિવારની સુરક્ષા માટે હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ અમેરિકાનો આ કાયદો આજે પણ જારી છે.
અમેરિકામાં ગનકલ્ચર દુનિયામાં સૌથી વધુ કુખ્યાત છે. એવું મનાય છે કે અહીં બંદૂક ખરીદવી શાકભાજી અને ફળ ખરીદવા જેવી બાબત છે. અમેરિકામાં સેંકડો એવા સ્ટોર, શોપિંગ આઉટલેટ અને નાની-નાની દુકાનો છે, જ્યાં બંદૂકો વેચાય છે. સમગ્ર અમેરિકામાં દર વીકએન્ડમાં બંદૂકોનું પ્રદર્શન યોજાય છે. ત્યાં બંદૂકો વોલમાર્ટ જેવી મોટી કંપનીઓના સ્ટોરથી લઈને નાની દુકાનો પર વેચાય છે.