શહેરા,
શહેરા-ગોધરા હાઇવે માર્ગ પર આવેલ તાડવા પાટિયા પાસે કારને અજાણ્યા વાહને ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મોત થયુ જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
શહેરા-ગોધરા હાઈવે માર્ગ ઉપર રવિવારના રોજ તાડવા પાટિયા પાસેથી કાર નંબર જીજે.17.સીએ.7098 ત્યાંથી પસાર થઇ રહેલ ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા કાર રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. જેને લઈને કારમાં સવાર ગોધરા શહેરના સર્વોદય નગરમાં રહેતા એચિત વિનોદભાઈ અમીન નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથેના અન્ય એક યુવાન નામે વ્રજેશને શરીર ના ભાગે ગંભીર રીતે ઈજાઓ થતાં તેણે 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી જતા કારને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું. તો બીજી તરફ આ અકસ્માતની ઘટના હાઇવે માર્ગ પર બની હોવાથી ઘટના સ્થળ પર વાહનચાલકોના લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં શહેરા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતક એચિતના મૃતદેહને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. જ્યારે મૃતકના પરિવારજનોમાં આ બનેલા બનાવને લઈને શોકની કાલિમા છવાઈ ગઈ હતી.