વિક્રાંત મેસીની સૌથી લોકપ્રિય ફિલ્મ ’૧૨મી ફેલ’ રિલીઝ થતાની સાથે જ ભારતમાં લોકપ્રિય થઈ ગઈ હતી. તેની સ્ટોરીથી લઈને તેની સ્ટાર કાસ્ટ સુધી તેણે લોકોના દિલ જીતી લીધા છે. વિક્રાંત મેસી અને મેધા શંકરની ફિલ્મ ’૧૨મી ફેલ’ રિલીઝના ૫ મહિના પછી પણ જોરદાર ચાલી રહી છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આઇપીએસ ઓફિસર મનોજ કુમાર શર્માના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવને દર્શાવે છે. ’૧૨મી ફેલ’ થિયેટરો પછી ઓટીટી પર રિલીઝ થઈ હતી, ત્યારબાદ હવે આ ફિલ્મ વિદેશમાં પણ ધમાકો કરવા માટે તૈયાર છે.
વિક્રાંત મેસીની ’૧૨મી ફેલ’ ભારત બાદ હવે ચીનમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળેલા વિક્રાંત મેસી અને મેધા શંકર બંને ચીનમાં ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ખુશ છે. હાલમાં જ ઈન્ટરવ્યુમાં વિક્રાંતે કહ્યું હતું કે તે પ્રમોશન માટે ચીન જશે કે નહીં તે નક્કી કરવું બહુ વહેલું છે. વિક્રાંતે કહ્યું, ’ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે વિશે વાત કરવી ખૂબ જ વહેલું છે, પરંતુ હું ખરેખર ખૂબ જ ખુશ છું.’
તમને જણાવી દઈએ કે આમિર ખાન આ પહેલા પોતાની ફિલ્મ ’દંગલ’ના પ્રમોશન માટે ચીન ગયો હતો અને ત્યાં પણ આ ફિલ્મ હિટ રહી હતી. તેની ફિલ્મ ’૩ ઈડિયટ્સ’એ પણ આ દેશમાં સારી કમાણી કરી હતી. વિક્રાંતે જણાવ્યું કે ’૧૨મી ફેલ’ પાછળની ટીમ છેલ્લા કેટલાક સમયથી ચીનમાં તેની રિલીઝ પર કામ કરી રહી હતી. તેણે કહ્યું કે આ ફિલ્મ ચીનમાં ૨૦,૦૦૦ થી વધુ સ્ક્રીન પર બતાવવામાં આવશે. વિક્રાંતે કહ્યું, ’આ કામ થોડા મહિનાઓથી ચાલી રહ્યું હતું, પરંતુ હવે બધાને ખબર છે કે આ ફિલ્મ ચીનમાં રિલીઝ થઈ રહી છે. ચીનમાં હિન્દી સિનેમા કે ભારતીય સિનેમાની ભારે માંગ છે. આ ફિલ્મ ૨૦,૦૦૦ થી વધુ સ્ક્રીન્સ પર રીલિઝ થવા જઈ રહી છે.
’૧૨મી ફેલ’ની ભવ્ય સફળતા પછી, વિક્રાંત મેસી ડિરેક્ટર રંજન ચંદેલની આગામી થ્રિલર ફિલ્મ ’ધ સાબરમતી રિપોર્ટ’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ ગુજરાતના ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસની ઘટના પર આધારિત છે. તેમાં રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ છે.