અર્થવ્યવસ્થા પર ઘેરાયેલી મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોર્ચો ખોલી દીધો છે. ઘટતી જીડીપી માટે રાહુલ ગાંધી સરકારની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. રવિવારે તેમણે જીએસટીની વાત દ્વારા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે જણાવ્યુ કે જીએસટીમાં શુ ભૂલ છે અને કોણ પ્રભાવિત થઈ રહ્યુ છે?
રાહુલ ગાંધીનું માનવુ છે કે મોદી સરકાર સાચી રીતે જીએસટીને લાગુ કરવામાં નાકામ રહી છે. રાહુલ ગાંધીએ જીએસટીની અંદર 4 પ્રકારના સ્લેબને ખોટા પગલા ગણાવ્યા. તેમણે કહ્યુ કે જીડીપીમાં ઘટાડાનું એક મોટુ કારણ જીએસટીનુ ફ્લોપ થવુ પણ છે. વર્તમાન સરકારે GST દ્વારા તે વર્ગ પર હુમલો કર્યો છે, જે દેશની કરોડરજ્જુ છે.
તેમણે ફરી જીએસટીને મોદી સરકારનો ગબ્બર સિંહ ટેક્સ કરાર કર્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ખોટી રીતે જીએસટીને લાગુ કરવાથી લાખો નાના વેપારીઓ બરબાદ થઈ ગયા. કરોડો નોકરીઓ અને યુવાઓનું ભવિષ્ય અંધકારમય છે. સૌથી વધારે અન્યાય રાજ્યો સાથે થયો છે. કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીના રૂપિયા આપી રહ્યા નથી. આ દેશના ગરીબોની સાથે અન્યાય છે.
તેમણે કહ્યુ કે મોદી સરકારના GSTનો અર્થ આર્થિક સર્વનાશ છે. રાહુલ ગાંધી અનુસાર મોદી સરકારે ષડયંત્ર રચીને જીએસટીમાં ચાર પ્રકારના સ્લેબ રાખ્યા છે. જેથી નાના વેપારીઓ આમાં ફસાઈ જાય અને મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચે. તેમણે કહ્યુ કે આ જીએસટીમાં માત્ર 15-20 ઉદ્યોગપતિઓની પહોંચ છે. તે મન અનુસાર જીએસટી નિયમોમાં પરિવર્તન કરી શકે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યુ કે જીએસટી યુપીએનો આઈડિયા હતો, એક સામાન્ય ટેક્સ લાગુ કરવાનું આયોજન હતુ પરંતુ એનડીએ સરકારે 28 ટકા સુધી ટેક્સ સ્લેબ રાખી દીધો, જે નાના વેપારીઓ અને ગરીબો વિરૂદ્ધ છે. કેન્દ્રની અસફળતાના કારણે જ આજે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ અને શિક્ષકોને સેલરી આપી રહ્યા નથી.
રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે વર્તમાન સમયમાં જીએસટી ગરીબો, ખેડૂતો અને નાના વેપારીઓ પર આક્રમણ છે. તેમણે કહ્યુ કે આના વિરૂદ્ધ એકઠા થઈને અવાજ ઉઠાવવો પડશે. જેથી જીએસટીને સરળ બનાવી શકાય. કોરોના સંકટ વચ્ચે રાહુલ ગાંધી કેટલાક મોટા અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. તેમણે પૂર્વ આરબીઆઈ ગર્વનર રઘુરામ રાજન સાથે પણ ચર્ચા કરી હતી.