ગોધરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ગોધરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ગુજરાતમા વરસાદે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી હતી કે, 12મી ઓક્ટોબર થઈ 16 ઓક્ટોબર સુધી રાજયમા વરસાદ વરસી શકે છે, જે આગાહીના પગલે આજે મઘ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો હતો. આજે ગોધરા શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે જ વરસાદ વરસી રહ્યો છે. ગોધરા શહેરમાં સર્વત્ર પાણી..પાણીની સ્થિતિ સર્જાઈ છે.

ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગોધરામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે બાઈક પર જઈ રહેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગોધરા શહેરમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.

જેમાં ગોધરા શહેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ, લાલબાગ બસ સ્ટેન્ડ, ભુરાવાવ વિસ્તાર, શહેરા ભાગોળ, સિંધુરી માતા મંદિર, આદ્ય મહેશ્વરી સોસાયટી, સિંધી ચાલી ખાડી ફળિયા, ચિત્રાખાડી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં. તો કેટલાક વિસ્તારોમાં ગટરલાઈન બ્લોક થઈ જતાં ગંદું પાણી રોડ ઉપર રેલાવા લાગ્યું હતું. એને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આમ, પંચમહાલ પંથકમાં પ્રસરી જવા પામી હતી.