ગોધરા ચંચેલાવ પાસે આવેલ ગઢ ગામે રેલવે લાઈન પર બનાવેલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા આસપાસના 10 ગામોના લોકો અટવાયા

ગોધરા ચંચેલાવ પાસે આવેલ ગઢ ગામે રેલવે લાઈન પર બનાવેલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા આસપાસના 10 ગામોના લોકો અટવાયા છે. વધુમાં અંડરપાસ નજીક રેલવે તંત્ર દ્વારા ફેન્સિંગ કરી દેવાતા મુખ્ય માર્ગ પર આવવા માટે અન્ય કોઈ વિકલ્પ ના હોવાથી લોકોએ મુખ્યમંત્રીને રજુઆત કરતા રેલ્વે વિભાગ દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે.

ગોધરા ચંચેલાવ પાસે આવેલ ગઢ ગામે રેલવે લાઈન પર બનાવેલ અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ગઢ, કણજીયા, ચંચોપા સહિતના 10 ગામના લોકોની અવરજવર બંધ થઇ હતી. રેલવે તંત્ર દ્વારા અન્ડરપાસમાંથી વરસાદી પાણી કાઢવા માટે કોન્ટ્રાકટ આપેલ હતો. પણ કોન્ટ્રાકટ પૂરો થઈ જતા કામગીરી બંધ કરી હતી. ગ્રામજનોના હોબાળા બાદ ફરી રેલવે તંત્ર દ્વારા પાણી કાઢવાના પ્રયાસ હાથ ધર્યા છે. અંડરપાસમાં હાલ મશીન મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યું છે. પણ ગ્રામજનોએ જણાવ્યું હતું કે જોઈએ તેવો પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અમારે કેટલાક દિવસ આ રીતે બેસી રહેવું પડશે. ગામ બહાર જવા માટે રેલવે ક્રોસિંગ કરીને જવા માટે એક વિકલ્પ હતો. તે પણ હાલમાં રેલવે દ્વારા સદંતર બંધ કરી દેવાતા ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુખ્યમંત્રીને રજૂઆત બાદ રેલ્વે વિભાગ દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરાતા અંડરપાસ અવરજવર માટે કાર્યરત થતા ગ્રામજનોને રાહત મળી હતી.

આજે અંડરપાસ ખુલ્લો થઇ જશે અન્ડરપાસમાંથી વરસાદી પાણી કાઢવા માટે રેલવે દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવેલ હતો. જે કોન્ટ્રાકટ પૂરો થતા કોન્ટ્રાકટરે કામગીરી બંધ કરેલ હતી. અમે ફરી મશીન લગાવીને અન્ડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરીનો પ્રારંભ થતા આજે અંડરપાસ ખુલ્લો થઇ જશે તેમ પીપલોદ ખાતેના રેલવે અધિકારીએ જણાવ્યું છે.

મજબૂરીમાં રેલવે ક્રોસ કરીને જતા હતા ચોમાસામાં ભારે વરસાદને કારણે રેલવે અન્ડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર સદંતર બંધ થઈ જતા ગ્રામજનો પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોવાને કારણે મજબૂરીમાં રેલવે ક્રોસ કરીને જતા હતા. હાલમાં રેલવે ફેન્સીંગ કરવામાં આવતા તે વિકલ્પ પણ બંધ થઈ જતા. અમોએ રાજ્યના મુખ્ય મંત્રીને ઓનલાઇન ફરિયાદ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં અાવી છે. – દિનુભાઈ રાવલ, ગઢ ગામ