- ’ભાજપ દેશની માતૃશક્તિ સાથે છે’, અમિત શાહે રેવન્ના કેસમાં પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું
બેંગ્લુરુ: કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પ્રજ્જવલ રેવન્ના, જેઓ અનેક મહિલાઓના જાતીય સતામણીના આરોપોનો સામનો કરી રહ્યા છે, તેમને જેડીએસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેડી(એસ) કોર કમિટીના અધ્યક્ષ જીટી દેવગૌડાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે પ્રજ્જવલ રેવન્ના વિરુદ્ધ એસઆઇટીનું સ્વાગત કરીએ છીએ. અમે અમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને એસઆઇટી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા ભલામણ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે વર્તમાન લોક્સભા ચૂંટણીમાં રેવન્ના કર્ણાટકની હાસન સીટ પરથી પાર્ટીના ઉમેદવાર છે. કોર કમિટીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા જીટી દેવગૌડાએ કહ્યું, “અમે તેમને (પ્રજ્જવલ રેવન્ના)ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માટે સર્વસંમતિથી ઠરાવ પણ કર્યો છે તે લોક્સભાના સભ્ય હોવાથી અમે ઈચ્છીએ છીએ કે પાર્ટી અધ્યક્ષ તાત્કાલિક પગલાં લે.કર્ણાટકના હાસનમાં જેડીએસ સાંસદ અને એનડીએના વર્તમાન ઉમેદવાર રેવન્નાની ધરપકડની માંગ થઇ રહી છે.લોકો માર્ગ પર ઉતરી આવ્યા હતાં. કર્ણાટક સરકારે સાંસદ દ્વારા સેંકડો મહિલાઓના કહેવાતા યૌન ઉત્પીડનથી જોડાયેલા મામલાની તપાસ માટે એસઆઇટીની રચના કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કોંગ્રેસ પર તેમના પરિવારની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, આ અમારા પરિવારની છબીને ખતમ કરવાની કોંગ્રેસની ષડયંત્ર છે. આમાં દેવેગૌડા જી અથવા મારી ભૂમિકા શું છે? અમે તે બાબતો માટે જવાબદાર નથી. આ વ્યક્તિગત બાબત છે. પ્રજ્જવલ રેવન્ના, હું તેમના સંપર્કમાં નથી, કેટલાક નિર્ણયો લેવાની જવાબદારી સરકારની છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે તેમને બચાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા. અમે તેની સામે પગલાં લઈશું, પરંતુ આ માટે સરકાર વધુ જવાબદાર છે. માત્ર એક કાકા તરીકે નહીં, પરંતુ દેશના એક સામાન્ય માણસ તરીકે આપણે આગળ વધવું જોઈએ. આ શરમજનક બાબત છે કે અમે આવી ગેરકાયદેસર વસ્તુઓ માટે લડત ચલાવી છે.
ભાજપે જેડીએસના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે મહિલાઓની વિરુદ્ધ અત્યાચારને લઇ ભાજપની જીરો ટોલરેંસ નીતિ છે.આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે.ભાજપના નેતાએ કોંગ્રેસ પર આ મામલા પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે જયારે કોંગ્રેસ સરકાર અઠવાડીયા અને મહીનાથી આ મામલાથી માહિતગાર હતી તો તેમણે આરોપીની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કેમ ન કરી તેમણે કર્ણાટકના હુબલી હત્યાકાંડ અને પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી મુદ્દે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં.
તમને જણાવી દઈએ કે પ્રજ્જવલ કર્ણાટકની હસન લોક્સભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદ સાથે સંબંધિત વીડિયો સામે આવતાની સાથે જ તે મતદાન પૂર્ણ થયા બાદ દેશ છોડીને ભાગી ગયો હતો.
દરમિયાન ત્રીજા તબક્કાના મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામની રાજધાની ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરતા કોંગ્રેસને ઘેરી હતી.આ સાથે તેમણે જેડીએસ નેતા પ્રજ્જવલ રેવન્ના મામલે પાર્ટીનું વલણ પણ સ્પષ્ટ કર્યું અને કહ્યું કે ભાજપ દેશની માતૃશક્તિ સાથે છે.
અમિત શાહે જેડીએસ નેતા પ્રજ્જવલ રેવન્ના સાથે જોડાયેલા મામલામાં કર્ણાટક સરકાર (કોંગ્રેસ)ને ઘેરી હતી. તેમણે કહ્યું, આ મામલામાં ભાજપનું વલણ સ્પષ્ટ છે. અમારી પાર્ટી દેશની માતૃશક્તિ સાથે છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે ત્યાં કોની સરકાર છે? ત્યાં કોંગ્રેસની સરકાર છે. તેઓએ કેમ કોઈ પગલાં લીધાં નથી. આ મામલે અત્યાર સુધી રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈતી હતી અને અમારી ભાગીદાર પાર્ટી જેડીએસ પણ તેનું સમર્થન કરે છે, જેમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.
કહેવાય છે કે કબજે કરવામાં આવેલ પેન ડ્રાઇવ્સમાં ૨૮૦૦ની આસપાસ અશ્ર્લિલ ઓડિયો વીડિયો કિલપ્સ અને અશ્લીલ તસવીર છે તમામ કિલપ્સમાં અવાજ પ્રજવલ રેવન્નાનો હોવાનું કહેવાય છે કેટલીક મહિલાઓની સાથે જબરજસ્તી પણ બતાવાઇ છે.જોકે મોટાભાગની મહિલાઓ જે પ્રજવલ રેવન્નાની શિકાર બની તે વિરોધ કરી શકી નહીં એ આરોપ પણ લગાવવામાં આવી રહ્યાં છે કે આ વીડિયોને પ્રજવલે ખુદ રેકોર્ડ કરી મહિલાઓને બ્લેકમેલ પણ કરી હતી.